વાંસદા તાલુકાના ખાંભલામાં લાયસન્સ વગર તબીબી પ્રેકટીસ કરતો તબીબને SOG એ ઝડપી પડયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ તબીબ મૂળ પં. બંગાળનો રહેવાસી છે.
આ બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકે બોગસ ડોકટરના કેસ શોધી કાઢવા આવેલી સૂચના આધારે નવસારી SOG પી. આઈએ સૂચના આપી હતી. નવસારી SOGના ASI કિશોર ગુલાબભાઈને મળેલી બાતમીને આધારે કિરણકુમાર તથા ખાંભલા પી.એચ.સીના મેડિકલ ઓફિસર ડૉ. હરેશભાઈ પટેલ સાથે ખાંભલા પ્રાથમિક શાળાની સામે આવેલા રસિકભાઈ ઈકલુભાઈની દુકાનમાં રેડ પાડી.
આ રેડ દરમિયાન પોલીસે આશિષ રવિન્દ્રનાથ બિશ્વાશ (રહે. ખાંભલા, બજાર ફળિયુ, રસિકભાઈ ઈકલુભાઈના મકાનમાં, વાંસદા, મૂળ રહે. બેલડાંગા, તા. હાબરા, જિ. નોર્થ ચોવીસ પરગણા, પશ્ચિમ બંગાળ) ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર કે પ્રમાણિત ડિગ્રી ન હોવા છતાં ગુજરાતમાં બોગસ ડોકટર તરીકે પ્રેકટીસ કરતો ઝડપી પાડયો હતો.
પોલીસે તેની પાસેથી ડોકટરી તપાસના સાધનો સ્ટેથોસ્કોપ, ઈંજેકશન, ટેબ્લેટો મળી કુલ રૂ. 32 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ખાંભલા પી.એચ.સી ના ડૉ. હરેશભાઈ પટેલે બોગસ તબીબ વિરૂદ્ધ વાંસદા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બોગસ તબીબ વિરૂદ્ધ ગુજરાત મેડિકલ પ્રેકટીસ એક્ટ 1963 ની કલમ 30, 35 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સમાજ ચિંતકોનું કહેવું છે કે આવા તો અનેક તબીબો દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગામડે ગામડે ઘર કરી ગયા છે જેની તપાસ પણ હાથ ધરીને આ બોગસ ડીગ્રી ધારી તબીબોને તંત્રએ ખુલ્લા પડવાની કામગીરી કરવી પડશે. તંત્ર સાથે પબ્લિકએ પણ પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા બોગસ તબીબો ને સીધા કરવાનો નિર્ણય લેવા જોઈએ.