બોલિવૂડના પાર્શ્વગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું નિધન થયું છે. તે કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ 5 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમનું આજે બપોરે 1 કલાકે ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે.

    ચેન્નઈની એમજીએએમ હેલ્થકેર હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું હતું કે તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

     ગાયક તરીકે બાલાએ દેશની પંદર ભાષાઓમાં કુલ 60 હજાર ગીતો ગાયાં હતાં. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો તેમણે લતાજી સાથે એક દૂજે કે લિયે ફિલ્મ માટે લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતમાં ગાયેલું તેરે મેરે બીચ મેં કૈસા હૈ યહ બંધન અનજાના..ગીતથી બાલા રાતોરાત દેશના ખૂણે ખૂણે જાણીતા થઇ ગયા હતા.

     74 વર્ષના એસપી બાલાસુબ્રમણ્યમે હિંદી ફિલ્મોના ગીતોમાં પોતાની એક અલગ ઓળખ સ્થાપિત કરી હતી. 1989માં આવેલ સલમાન ખાન-ભાગ્યશ્રી સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘મેંને પ્યાર કિયા’માં સલમાન ખાનના તમામ ગીત એસપી બાલાસુબ્રમણ્યમને ગાયા હતા, જે સુપરહિટ સાબિત થયા હતા. ત્યાર બાદ તેમણે સલમાનની કારકિર્દીની શરૂઆતના તમામ ગીત તેમણે ગાયા અને ઘણાં વર્ષો સુધી સલમાન ખાનનો અવાજ તરીકે ઓળખાતા રહ્યા. ત્યાર બાદ પણ એસપી બાલુસબ્રમણ્યમે અનેક હિંદી ફિલ્મોમાં જુદા જુદા સ્ટાર માટે પોતાનો અવાજ આપ્યો.