રાજપીપળા: નર્મદા જિલ્લાના રાજપીપળા વિસ્તારની ગૌરવવંતી આદિવાસી યુવતી ફલક વસાવાએ હોંગકોંગ, ચીન ખાતે યોજાયેલી ૨જી ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશિપ-2026માં જુનિયર એજ ગ્રુપ ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરીને ભારત, ગુજરાત અને નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે.

આદિવાસી ગૌરવ સમાન એક આદિવાસી વિસ્તારમાંથી આવતી ફલક વસાવાએ પોતાની અથાગ મહેનત, અડગ સંકલ્પશક્તિ અને આત્મવિશ્વાસના બળે આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા હજારો યુવાનો અને ખાસ કરીને આદિવાસી દીકરીઓ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. આ ભવ્ય સિદ્ધિ અંગે આદિવાસી સમાજ તરફથી ફલક વસાવા, તેમના પિતા તથા ભારતીય ટીમના કોચ શ્રી ચંદ્રકાન્ત વસાવા, માતા અને આંતરરાષ્ટ્રીય જજ શ્રીમતી મિકેતાબેન વસાવા તેમજ માર્ગદર્શક ડો. હિમાંશુ દવેને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

ફલક વસાવાની આ સિદ્ધિને જોઈને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે આગામી વર્ષોમાં વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરશે, વિશ્વ મંચ પર ભારતનો તિરંગો લહેરાવશે અને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરશે. નર્મદાની દીકરીની આ ઉડાન માત્ર સફળતા નથી, પરંતુ સંકલ્પ, સંઘર્ષ અને સપનાઓને સાકાર કરવાની પ્રેરણાદાયી ગાથા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here