ધરમપુર: ધરમપુર અને આસપાસના આદિવાસી વિસ્તારના ભાવિક ભક્તોની સુવિધા માટે નર્મદા જિલ્લામાં આવેલા આદિવાસી સમાજના સર્વોચ્ચ આસ્થાના કેન્દ્ર મા યાહામોગી દેવમોગરા સુધી નવી સીધી એસ.ટી. બસ સેવા શરૂ કરવા બાબતે ડો.નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના ઉચ્ચ અધિકારીઓને રજુવાત કરવામાં આવી છે.

ધરમપુર તાલુકો અને આસપાસનો વિસ્તાર આદિવાસી બાહુલ્ય ધરાવતો અંતરિયાળ વિસ્તાર છે. મહાશિવરાત્રીના મેળા તેમજ આખા વર્ષ દરમિયાન હજારો આદિવાસી પરિવારો બાધા-આખડી પૂરી કરવા અને દર્શનાર્થે દેવમોગરા જાય છે. પરંતુ, હાલમાં ધરમપુરથી દેવમોગરા જવા માટે કોઈ સીધી એસ.ટી. બસ ઉપલબ્ધ ન હોવાથી શ્રદ્ધાળુઓને સુરત, વ્યારા કે રાજપીપળા થઈને વારંવાર બસો બદલવી પડે છે અથવા મોંઘા ખાનગી વાહનો ભાડે કરવા પડે છે.આથી જો ધરમપુર ડેપોથી વાયા વાંસદા, ચિખલી અથવા સુરત-વ્યારા થઈને દેવમોગરા સુધીની સીધી બસ શરૂ કરવામાં આવે, તો ગરીબ અને મધ્યમ વર્ગના ભક્તોને વ્યાજબી ભાડામાં સરળ મુસાફરી મળી રહેશે.

ઉપરાંત, આ રૂટ પર બારેમાસ પૂરતા મુસાફરો મળવાની શક્યતા હોવાથી એસ.ટી. નિગમને પણ સારી આવક થશે.ઉપરાંત દિલીપસિંહ ભુરીયા સમિતિ, જસ્ટિસ લોકુર કમિટીના અહેવાલો તેમજ પેસા એક્ટ-૧૯૯૬ (PESA Act) મુજબ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓની જાળવણી કરવાની જવાબદારી તંત્રની છે. આ સીધી બસ સેવાથી નવી પેઢી પણ પોતાના ધાર્મિક વારસા સાથે જોડાયેલી રહેશે હોવાની રજૂઆત કરી છે.ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા જનહિત અને ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી સત્વરે નવી બસ મંજૂર કરવા લાગણીશીલ અપીલ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here