ડેડીયાપાડા: આજના આધુનિક યુગમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને તબીબો મોટા શહેરો તરફ વળી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડીયાપાડાની સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળી રહ્યું છે. CHC ડેડીયાપાડા ખાતે છેલ્લા ૨૦ વર્ષથી નિષ્ઠાપૂર્વક સ્ટાફ નર્સ તરીકે સેવા આપતા કુંતાબેન રાયસીંગભાઇ વસાવાની દીકરી, ડો. રીતિકાબેન વસાવા આજે તે જ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર (MBBS) તરીકે નિમણૂક પામીને માતા સાથે જ દર્દીઓની સેવામાં કાર્યરત બન્યા છે.
નર્સ માતાનું સપનું દીકરીએ સાકાર કર્યું પોતાની નર્સિંગ કારકિર્દી દરમિયાન રાત-દિવસ દર્દીઓની સેવા કરતા કુંતાબેને પોતાની દીકરીને તબીબ બનાવવાનું સપનું સેવ્યું હતું. તેમની દીકરી ડો. રીતિકાબેને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાપુતારાની મિશનરી સંસ્થામાં અંગ્રેજી માધ્યમમાં પૂર્ણ કર્યા બાદ અમદાવાદથી MBBSની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે પોતાના હોમટાઉન અને અંતરિયાળ વિસ્તાર એવા ડેડીયાપાડા તાલુકાના મુલકાપાડા ગામના લોકોની સેવા કરવાનો નિર્ણય લીધો. ઉલ્લેખનીય છે કે, તેમના પિતા શ્રી રાયસીંગભાઇ મુનિયાભાઈ વસાવા પણ તાલુકા પ્રાથમિક શાળા ડેડીયાપાડામાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે.
એક જ હોસ્પિટલમાં માતા-દીકરીની જુગલબંધી હોસ્પિટલના એક જ વોર્ડમાં માતા દર્દીને ઇન્જેક્શન કે સારવાર આપતા હોય અને બાજુમાં જ દીકરી તે દર્દીની તપાસ કરતી હોય તે દ્રશ્ય જોઈને દર્દીઓ અને સ્ટાફગણ પણ ભાવવિભોર થઈ જાય છે. માતા અને દીકરીની આ જોડી આસપાસના ગ્રામીણ વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
“માતા-પિતા જ મારા પ્રથમ ગુરુ”: ડો. રીતિકા વસાવા પોતાની આ સફળતા અને સેવા અંગે વાત કરતા ડો. રીતિકાએ જણાવ્યું હતું કે, “નાનપણથી જ મેં મારી મમ્મીને રાત-દિવસ જોયા વગર લોકોની સેવા કરતા જોઈ છે. તે જ મારી સૌથી મોટી પ્રેરણા છે. આજે જે હોસ્પિટલમાં મારી માતાએ વર્ષો સુધી સેવા આપી છે, ત્યાં જ તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો તે મારા માટે જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. મારા માતા-પિતા જ મારા પ્રથમ ગુરુ છે.”
આ અનોખી અને ભાવનાત્મક બાબત સામે આવતા જ સમગ્ર નર્મદા પંથકમાં માતા-દીકરીની આ જોડી પર શુભેચ્છા અને અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ કિસ્સો અન્ય ગ્રામીણ અને આદિવાસી વિસ્તારની દીકરીઓ માટે પણ ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજસેવા તરફ આગળ વધવાની મોટી પ્રેરણા પૂરી પાડે છે.











