નાંદોદ: 5 સપ્ટેમ્બર-૨૦૨૬ના રોજ શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રનના સંયુક્ત ઉપક્રમે બાળ લગ્ન નાબૂદી અને અટકાયત માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાંદોદ તાલુકાના ઓરી ગામ ખાતે આવેલ સરસ્વતી વિદ્યાવિહાર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બાળ લગ્ન રોકવામાં શિક્ષકોની જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, એન્ટિ હ્યૂમન ટ્રાફિકિંગ યુનિટ તેમજ આમલેથા પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ‘બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, ૨૦૦૬’ વિશે કાયદાકીય સમજણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત બાળ લગ્નની શારીરિક, માનસિક અને સામાજિક માઠી અસરો, બાળ લગ્ન એક ગંભીર કાયદાકીય અપરાધ તેમજ સામાજિક દૂષણ હોવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સમાજમાંથી આ દૂષણ નાબૂદ કરવા માટે શિક્ષકો કેવી રીતે સક્રિય ભૂમિકા ભજવી શકે અને બાળ લગ્ન અટકાવી શકે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.











