ગરુડેશ્વર: આજરોજ ગરુડેશ્વર તાલુકાના વિયર ડેમના ઉપરવાસમાં આવેલા ગામોની ડૂબમાં જતી જમીનોના ખાતેદારોને યોગ્ય વળતર અપાવવાના સતત પ્રયાસોને અંતે સફળતા મળી છે. સરકાર દ્વારા તારીખ 20/11/2026, શુક્રવારના રોજ ગરુડેશ્વર તાલુકાના ગભાણા ગામના અસરગ્રસ્ત ખેડૂતોને તેમની જમીનના વળતરની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
વિવિધ પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિ ગભાણા ગામ ખાતે આયોજિત આ ચેક વિતરણ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રણજીતસિંહ દિનેશભાઈ તડવી (મહાકાળી) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ તેમજ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શબ્દશરણ તડવી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ખેડૂતોને વળતરના ચેક એનાયત કર્યા હતા.
આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોના હિતોનું રક્ષણ થાય અને તેમને તેમની જમીનનું ન્યાયી અને યોગ્ય વળતર સમયસર મળી રહે તે માટે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ સતત પ્રયત્નશીલ રહી છે. લાંબા સમયથી ચાલતી રજૂઆતો અને પ્રયાસો બાદ વળતરના ચેક હાથમાં આવતા ગભાણા ગામના ખેડૂતો અને ખાતેદારોમાં સંતોષ અને ખુશીની લાગણી જોવા મળી હતી.











