વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલી રાજુંબર પ્રાથમિક વર્ગશાળામાં ‘કુકણા એન્જિનિયર્સ ગ્રુપ એસોસિયેશન ટ્રસ્ટ’ના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી વિતરણનો સેવાભાવી કાર્યક્રમ યોજાયો હતો. જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે અને તેમનો આત્મવિશ્વાસ વધે તેવા ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોને નોટબુક, સ્કેચપેન, પેન્સિલ, રબર અને સંચો સહિતની અભ્યાસ ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક સામગ્રી મેળવીને શાળાના નાના-નાના બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. આ પાવન પ્રસંગે પી.આઈ. કિરણ પાડવી, મુન્નાભાઈ પટેલ, આઈ.ટી.આઈ. ઈન્સ્ટ્રક્ટર દિપકભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી સુનીતાબેન થોરાટ, ઉપશિક્ષક વિજયભાઈ તેમજ ભૂતપૂર્વ આચાર્ય છગનભાઈ સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ માટે સમાજ દ્વારા કરવામાં આવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ અત્યંત સરાહનીય છે. વિદ્યાર્થીઓએ આ સાધનોનો યોગ્ય ઉપયોગ કરી, નિયમિત અભ્યાસ કરીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું જોઈએ. ટ્રસ્ટની આ પ્રેરણાદાયી કામગીરી બદલ શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકમંડળે કુકણા એન્જિનિયર્સ ગ્રુપ એસોસિયેશન ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સમાજના અન્ય લોકો અને સંસ્થાઓ માટે પણ આ કામગીરી પ્રેરણારૂપ બની રહેશે તેવી શુભેચ્છાઓ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.











