ગાંધીનગર: અનુસૂચિત જનજાતિ (ST) ના જે વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન વિવિધ કારણોસર શિષ્યવૃત્તિ અને અન્ય સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી ગયા હતા, તેમના માટે એક ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર આવ્યા છે. સમસ્ત આદિવાસી સમાજના અગ્રણી ડો. પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા કરવામાં આવેલી સક્રિય રજૂઆતને આખરે સફળતા મળી છે.

આદિજાતિ વિકાસ મંત્રીશ્રીને કરાયેલી રજૂઆતના પગલે સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) ફરીથી ખુલ્લું મૂકવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૫-૨૬ દરમિયાન અનેક ગરીબ અને જરૂરિયાતમંદ આદિવાસી વિદ્યાર્થીઓ ટેકનિકલ કે અન્ય કારણોસર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તથા વિવિધ સહાય યોજનાઓના ફોર્મ ભરી શક્યા ન હતા. આ બાબતને ગંભીરતાથી લઈને ડો. પ્રદીપભાઈ ગરાસિયા અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિજાતિ વિકાસ મંત્રીને તાત્કાલિક પોર્ટલ રી-ઓપન કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતને ધ્યાને લઈને આદિજાતિ વિકાસ નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા સંયુક્ત નિયામકશ્રી (NIC) ને પત્ર લખીને પોર્ટલ ખુલ્લું મૂકવા માટે જરૂરી તકનીકી આદેશો જારી કરી દેવામાં આવ્યા છે. નિયામક કચેરી દ્વારા રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને મદદનીશ કમિશનરશ્રીઓને પણ આ નિર્ણય અંગે જાણ કરી દેવામાં આવી છે, જેથી કોઈ પણ પાત્રતા ધરાવતો આદિવાસી વિદ્યાર્થી અરજી કરવાથી વંચિત ન રહી જાય. ડો. પ્રદીપભાઈ ગરાસિયા અને સમસ્ત આદિવાસી સમાજના સફળ પ્રયાસોના પરિણામે હજારો વિદ્યાર્થીઓને પોતાનો હક અને આર્થિક સહાય મેળવવાની પુનઃ તક મળી છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને સમગ્ર આદિવાસી સમાજમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here