વાંસદા: વાંસદા તાલુકામાં જી.રામજી (મનરેગા) યોજના હેઠળ કામ કરતાં ગરીબ આદિવાસી મજૂરો અને કર્મચારીઓને છેલ્લા 6 મહિનાથી (જૂન મહિનાથી) મજૂરી અને પગાર ન મળતાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મજૂરો રોજીરોટી માટે વલખાં મારી રહ્યા છે. આ ગંભીર મુદ્દે વાંદરવેલા, પ્રતાપનગર, કંબોયા, વાસકુઈ, દુબળ ફળિયા અને વાઘાબારી જેવા ગામોના મજૂરોએ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં એક મહત્ત્વની સભા યોજી હતી.

સભાને સંબોધતા ધારાસભ્ય અનંત પટેલે સરકારી તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં જી.રામજી યોજના હેઠળ કામ કરનારા મજૂરોના રૂ. 43.44 કરોડ ચૂકવવાના બાકી છે. જેમાં એકલા નવસારી જિલ્લામાં રૂ. 3 કરોડ અને વાંસદા તાલુકામાં રૂ. 1,58,80,513 ની મજૂરી ચૂકવવાની બાકી છે. ઉપરાંત જૂન મહિનાથી GRS અને TA નો પગાર પણ અટકાયેલો છે.

તેમણે ઉમેર્યું હતું કે, “જીરામજીના મજૂરોની મજૂરી હાલ રામ ભરોસે ચાલી રહી છે. જો આ મજૂરો અને કર્મચારીઓનો પગાર આગામી 3 દિવસમાં ચૂકવવામાં નહીં આવે અને એમની દિવાળીમાં દીવડા નહીં પ્રગટે, તો 4 નવેમ્બર 2026 ના રોજ જીરામજીના મજૂરો, રોજગાર સેવકો અને ટેકનિકલ સ્ટાફ સાથે મળીને વાંસદા ખાતે ભવ્ય ‘ન્યાય યાત્રા’ નીકાળવામાં આવશે.”

આ પ્રસંગે ઉપસ્થિત વાંદરવેલાના સરપંચ સંજય પટેલે તંત્ર સામે રોષ ઠાલવતા કહ્યું હતું કે, ગત વર્ષે સરપંચોને આંબાની કલમો આપવામાં આવી હતી. આ કલમોની રોપણી કરી દેવા છતાં હજુ સુધી તેની મજૂરી ચૂકવાઈ નથી. આવો અન્યાય સહન કરવામાં નહીં આવે.

આ સભામાં વાઘાબારીના સરપંચ સોનલબેન, વાસકુઈના સરપંચ નવીનભાઈ, દુબળ ફળિયાના સરપંચ મહેન્દ્રભાઈ, કંબોયાના માજી સરપંચ અનિલભાઈ, આગેવાન કિશોરભાઈ સહિત મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓ અને મજૂરો હાજર રહ્યા હતા અને પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here