નવસારી: ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર યોજના અંતર્ગત પાડોશી રાજ્ય મહારાષ્ટ્રને જોડતા બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઈ રાજ્ય ધોરીમાર્ગને સિક્સલેન બનાવવાની કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. 50 કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતા આ માર્ગના વિસ્તૃતીકરણથી દક્ષિણ ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળવા સાથે સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે.
હાઈસ્પીડ કોરિડોર માટે જમીન સંપાદન સહિતની ફેઝ-1 ની કામગીરી અર્થે સરકાર દ્વારા રૂપિયા 225 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવી છે. જ્યારે ફેઝ-2 અંતર્ગત સિક્સલેન રોડ, 9 ફ્લાયઓવર અને 7 અંડરપાસના નિર્માણ માટે રૂપિયા 1500 કરોડની દરખાસ્ત રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
આ મહાકાય પ્રોજેક્ટ માટે ગણદેવી તાલુકાના ૨, ચીખલી તાલુકાના ૧૨ અને વાંસદા તાલુકાના 19 મળી કુલ ૩૩ જેટલા ગામોના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવશે. માર્ગના મધ્યથી બંને તરફ ૨૪ મીટરનું માર્જિન હોવાથી મુખ્યત્વે 7 થી 12 મીટર જેટલી જ જમીન સંપાદિત કરવાની રહેશે. જોકે, ફ્લાયઓવર બ્રિજવાળી જગ્યાઓએ વધુ જમીનની જરૂરિયાત ઊભી થશે. જમીન સંપાદનની આ પ્રક્રિયા પડકારજનક અને જટિલ સાબિત થઈ શકે છે.
ટ્રાફિકની સમસ્યા નિવારવા અને અકસ્માતો અટકાવવા માટે સમગ્ર રૂટ પર મહત્વના સ્થળોએ બ્રિજનું નિર્માણ કરાશે: 9 ફ્લાયઓવર બ્રિજ: ચીખલી કોલેજ સર્કલ, બામણવેલ પાટિયા, અઢારપીર, રાનકુવા, સુરખાઈ, કંડાલપાડા, ખડકાળા, હનુમાનબારી અને મહુવાસ. 7 અંડરપાસ: વાહનવ્યવહારની સરળતા માટે ૭ સ્થળોએ અંડરપાસ અને સાથે જરૂરી સર્વિસ રોડ બનાવાશે. નવા પુલ: કાવેરી નદી પર પ્રતાપનગર સહિત ૩ સ્થળોએ નવા ઊંચાઈવાળા પુલોની મંજૂરી મળી ગઈ છે.
માર્ગ મકાન વિભાગ દ્વારા નડતરરૂપ વીજલાઈન તથા પાણી-ગેસની લાઈનોના શિફ્ટિંગ માટે જરૂરી નાણાંની ભરપાઈ કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કોરિડોરથી સમગ્ર દક્ષિણ ગુજરાતના ચહેરા-મોહરામાં કાયાપલટ થશે તે નિશ્ચિત છે.











