વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આદિવાસી બહુમતી વસ્તી ધરાવતા ઝરી ગામની મુખ્ય પ્રાથમિક શાળાના શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. શાળા શિક્ષણ સમિતિ (જિલ્લા સ્કૂલ બોર્ડ) હસ્તકની કરોડોની કિંમતી જમીન પર શાળા સિવાયના અન્ય બિનઅધિકૃત બાંધકામો અને દબાણો દૂર કરવા માટે સ્થાનિક અરજદાર સુનિલભાઈ મોહનભાઈ પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
અરજદાર સુનિલભાઈ પટેલ દ્વારા નવસારી કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટ, વાંસદા મામલતદાર તેમજ ‘સમસ્ત આદિવાસી સમાજ’ના યુથલીડર ડૉ. નિરવભાઈ પટેલને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, શાળાની માલિકીની સર્વે નંબર-414, બ્લોક નંબર-804 વાળી અંદાજે 0-27-45 હેક્ટર જમીન પર શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ અને બિનઅધિકૃત બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા છે.
આક્ષેપ અનુસાર, ગ્રામ પંચાયત દ્વારા તલાટીના રહેઠાણના નામે જૂનું મકાન પણ આ જ શાળકીય જમીન પર ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને શાળા સંકુલનો ઉપયોગ માત્ર શૈક્ષણિક તથા સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જ થાય તે હેતુથી આ દબાણો સત્વરે હટાવવાની માંગ કરાઈ છે. આ સમગ્ર મામલે વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓની મિલીભગત હોવાની ગંભીર આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ (વલસાડ અને નવસારી) ના અગાઉના સરકારી પરિપત્રો મુજબ, સરકારી પ્રાથમિક શાળાઓની જમીન, મિલકત અને ફર્નિચરની જાળવણી કરવાની સંપૂર્ણ જવાબદારી શાળાના મુખ્ય શિક્ષકની રહે છે. સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના શાળાના પરિસરમાં કોઈપણ સંસ્થા, મંડળ કે વ્યક્તિ દ્વારા કાચું કે પાકું નવું બાંધકામ, શેડ, રૂમ કે દીવાલ બનાવી શકાય નહીં અને આવા સરકારી કામમાં દખલગીરી કરવી એ કાયદાકીય રીતે ફોજદારી ગુનો બને છે.
SMC કમિટી દ્વારા શાળકીય જમીન રક્ષણ અર્થે ઠરાવ પસાર
આ વિવાદ વચ્ચે ઝરી મુખ્ય પ્રાથમિક શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યો, મુખ્ય શિક્ષક અને શાળા સ્ટાફ દ્વારા ગત તા. ૧૯/૦૯/૨૦૨૬ ના રોજ એક મહત્વપૂર્ણ આંતરિક બેઠક યોજીને એકમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત, સુરક્ષા અને ઉત્કૃષ્ટ વાતાવરણની જાળવણી માટે શાળા સંકુલની જગ્યા માત્ર શાળાના ઉપયોગ અર્થે જ રહેશે. ભવિષ્યમાં પણ શિક્ષણ હિત સિવાય અન્ય કોઈ સંસ્થા દ્વારા પરિસરમાં કોઈપણ પ્રકારનું બાંધકામ ન થાય તે માટે SMC કટિબદ્ધ રહેશે.
કલેક્ટર કચેરીએ લીધી ગંભીર નોંધ: તપાસના આદેશ જારી
સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પ્રાંત અધિકારી (વાંસદા) અને જિલ્લા શિક્ષણાધિકારીને નિયમાનુસારની કડક કાર્યવાહી કરવાના સ્પષ્ટ આદેશો જારી કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ આદિવાસી વિસ્તારના નિર્દોષ બાળકોના શૈક્ષણિક હિતમાં ક્યારે અને કેટલી ત્વરિત કાયદાકીય કાર્યવાહી હાથ ધરે છે.











