ધરમપુર: વલસાડ જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન ધામ વિલ્સન હિલ સહિત ધરમપુર અને કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં ચોમાસું પૂરું થતાં જ પીવાના પાણીની ગંભીર અછત સર્જાઈ છે. શિયાળાની શરૂઆતમાં જ ઉદ્ભવેલી આ વિકટ પરિસ્થિતિ અને તંત્રની ઘોર અણઆવડત સામે ‘સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાત’ના કન્વીનર ડૉ. નિરવ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તેમજ સંબંધિત વિભાગોને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, જગવિખ્યાત વિલ્સન હિલ ખાતે પાણીના અભાવે કરોડોના ખર્ચે બનેલા શૌચાલય અને બાથરૂમ શોભાના ગાંઠિયા સમાન બની બંધ હાલતમાં પડ્યા છે, જેના કારણે વિશેષ કરીને મહિલા પ્રવાસીઓને ભારે અસહ્ય સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશોને પોતાના ખર્ચે પાણીના ટેન્કરો મંગાવવાની નોબત આવી છે.
ભ્રષ્ટાચાર અને ટેકનિકલ ખામીના આક્ષેપો ખાલીખમ તળાવ: વિલ્સન હિલ પર કરોડોના ખર્ચે બનેલા તળાવમાં તળિયે પાકું પ્લાસ્ટર ન કરાતાં ચોમાસાનું તમામ પાણી શોષાઈ ગયું છે અને તળાવ તદ્દન ખાલી થઈ ગયું છે. નિષ્ફળ યોજનાઓ: પાણી પુરવઠા વિભાગ દ્વારા ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં સમસ્યાના કાયમી ઉકેલનું લેખિત વચન અપાયું હતું, પરંતુ જમીની સ્તરે કામગીરી શૂન્ય છે. એસ્ટોલ યોજના અને બજેટના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં સ્વાહા થયા હોવાનો આક્ષેપ કરાયો છે.
ઉગ્ર માંગણીઓ: 1. વિલ્સન હિલ પર તાત્કાલિક ધોરણે પીવાના પાણી અને શૌચાલયની વૈકલ્પિક વ્યવસ્થા કરવી. 2. વન વિભાગની બંધ ૧૪ દુકાનો સ્થાનિક બેરોજગાર આદિવાસી યુવાનોને તુરંત ફાળવવી. 3. ખામીયુક્ત તળાવ નિર્માણ અંગે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ સમિતિ નીમી પગલાં ભરવા. 4. માકડબન ભયજનક વણાંક પર સાઇનબોર્ડ મૂકી રસ્તાઓ અને બિસ્માર વ્યુપોઈન્ટનું સમારકામ કરવું. 5. ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પીવાના પાણીની કામગીરી પૂર્ણ કરવા ખાસ મોનિટરિંગ સેલની રચના કરવી.











