ધરમપુર: ધરમપુર તાલુકાના બીલપુડી ગામના બેઝ ફળિયામાં રહેતા મંગળભાઈ શામજીભાઈ વળવીના ઘર પાસે ડાંગર કાપવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક એક મહાકાય અજગર નજરે પડ્યો હતો. ખેતરમાં અજગર દેખાતાં જ પરિવારજનો અને ગ્રામજનોમાં કૂતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે ‘વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ’ (WRTN) નવસારી, ધરમપુર – નાનાપોંઢા વિભાગના વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયાડનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ મુકેશભાઈ વાયાડે ધરમપુર વનવિભાગને માહિતગાર કરી ત્વરિત ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. મુકેશભાઈ વાયાડે ભારે જહેમત બાદ 12 ફૂટથી વધુ લંબાઈ અને 22 કિલો 800 ગ્રામ જેટલું ભારે વજન ધરાવતા આ ભીમકાય અજગરને એકલા હાથે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સલામત રીતે વનવિભાગને સોંપ્યો હતો.
રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયાડ અને વનવિભાગ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ અજગર, નાગ, કામળિયો, કાળતરો કે અન્ય કોઈ પણ વન્યજીવ ઘર, શાળા કે રહેણાંક વિસ્તારમાં જોવા મળે, ત્યારે તેને મારી નાખવાને બદલે નજીકના વનવિભાગ અથવા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅરનો સંપર્ક કરવો. કુદરત અને માનવ જીવનની સમતુલા જાળવી રાખવામાં દરેક વન્યજીવ મહત્વનો ભાગ ભજવે છે. આથી, વન્યજીવોનું રક્ષણ કરીએ અને વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાના અભિયાનમાં સહભાગી બનીએ. ઇમરજન્સી સંપર્ક: વન્યજીવ દેખાય તો વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયાડ (WRTN) નો મો. 7990977336 / 8469361533 પર સંપર્ક કરવો.











