ધરમપુર: ધરમપુર સ્થિત વનરાજ કોલેજની હોસ્ટેલમાં આદિવાસી વિદ્યાર્થીઓ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં નવો વળાંક આવ્યો છે. સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી (અરજી નં. 164/2026) પર સંભળાવવામાં આવેલા હુકમ બાદ કેસના મુખ્ય સૂત્રધારોની જામીન ફગાવી દેવામાં આવી છે. મેડિકલ રિપોર્ટ અને કોર્ટની કાર્યવાહી બહાર આવ્યા બાદ વલસાડ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં અને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે ગરમાવો આવી ગયો છે.

કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટ અનુસાર, હુમલાનો ભોગ બનનાર આદિવાસી વિદ્યાર્થી નીતેશભાઈના મોં અને જડબાનું હાડકું ફ્રેક્ચર થઈ ગયું હતું તેમજ માથાના ભાગે લોહી જામી ગયું હતું. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109 (1) (હત્યાનો પ્રયાસ) હેઠળ જેલમાં બંધ મુખ્ય આરોપીઓ મનન પટેલ, જયદીપ પવાર અને પ્રેમ માહલાની જામીન અરજીને અદાલતે ફગાવી દીધી છે.

ધરમપુર પોલીસ (ખાસ PI નિખિલ ભોયા) અને સરકારી વકીલની ભૂમિકા સામે સવાલો

પીડિત પરિવાર કોંગ્રેસ નેતા અને આદિવાસી સમાજના સંગઠનોના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભોગ બનનાર વિદ્યાર્થીઓ આદિવાસી (ST) સમુદાય અને ધરમપુર પોલીસ PI નિખિલ ભોયાએ ખુદ આદિવાસી સમાજના હોવા છતાં શરૂઆતમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ ન કરીને આરોપીઓને અને મુખ્ય હુમલાના ષડ્યંત્રકારી યુવા મોરચાના પ્રમુખને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્ય હુમલા વધુમાં, સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા આરોપીઓના જામીન સામે વાંધો ન ઉઠાવવાની રજૂઆત કરવામાં આવતા સરકારી તંત્ર અને વકીલની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ABVP અને ભાજપ પર કોંગ્રેસના આકરા પ્રહારો

આ સમગ્ર મામલે ભારતીય યુવા કોંગ્રેસે ભાજપ અને તેના સમર્થિત વિદ્યાર્થી સંગઠન ABVP પર સીધા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે: ABVP દ્વારા ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓનું મહિમામંડન કરીને યુવાનોને ગુંડાગીરી તરફ ધકેલવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લા યુવા મોરચાના પદાધિકારીઓ દ્વારા અન્યાય સામે અવાજ ઉઠાવનારાઓને ખોટા કેસોમાં ફસાવી દેવાની અને કોમી તણાવ ઊભો કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. યુવા કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે આવી ધમકીઓથી ડર્યા વગર તેઓ આદિવાસી વિદ્યાર્થીઓ માટે ન્યાયની લડાઈ ચાલુ રાખશે.

સમસ્ત આદિવાસી સમાજના નવસારી પ્રમુખ ડો. નિરવ પટેલે કહ્યું કે આદિવાસી વિદ્યાર્થી પર થયેલા નિર્મમ હુમલા અને ત્યારબાદ સામે આવેલી વિગતોને પગલે સમગ્ર વલસાડ જિલ્લામાં આક્રોશનો માહોલ છે. જાગૃત નાગરિકો અને વિવિધ આદિવાસી સંગઠનોએ દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અને પીડિત વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here