નાનાપોંઢા: ગતરોજ નાનાપોંઢા તાલુકા પંચાયતની સામાન્ય સભા શુક્રવારે મધુબન VIP સર્કિટ હાઉસ ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી. તાલુકા પંચાયતના પ્રમુખ વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ અગત્યની બેઠકમાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી (TDO) પ્રિતેશ મકવાણા, નાનાપોંઢાના પ્રભારી શૈલેષ પટેલ સહિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સામાન્ય સભા દરમિયાન અગાઉની સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવાની સાથે વિવિધ કારોબારી સમિતિઓની કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી. સભામાં મુખ્યત્વે વર્ષ 2026-27 માટે સ્ટેમ્પ ડ્યૂટી ગ્રાન્ટ હેઠળ હાથ ધરવાના વિકાસકાર્યોના આયોજન તેમજ અગાઉ મંજૂર થયેલા કામોની ફેરદરખાસ્ત અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા, પાણી અને પ્રાથમિક સુવિધાઓ મજબૂત કરવા સ્ટેમ્પ ડ્યૂટીની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવા પર ભાર મૂકાયો હતો.

આ બેઠકનો મુખ્ય આકર્ષણનો મુદ્દો તાલુકા પંચાયતના દરેક ચૂંટાયેલા સભ્યને પોતાના વિસ્તારના વિકાસ માટે રૂપિયા 20 લાખની ગ્રાન્ટ ફાળવવા બાબતનો રહ્યો હતો. સભ્યો દ્વારા તાલુકા કક્ષાએ સ્ટેમ્પ ડ્યૂટીની ગ્રાન્ટમાંથી લોકઉપયોગી અને બાકી રહેલા વિકાસના કામોનું આયોજન કરી તેની નવી દરખાસ્તો તૈયાર કરવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી.

બેઠકના અંતે તાલુકામાં આગામી સમયમાં હાથ ધરાનારા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને સ્થાનિક પ્રશ્નોના નિકાલ માટે અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ હતી. ધારાસભ્ય અને તાલુકા પ્રમુખે વિકાસકામો ઝડપથી અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તેવા નિર્દેશ આપ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here