તાપી: ગુજરાતની રમતગમત ક્ષેત્રે આદિવાસી સમાજની નવી પ્રતિભાઓ સતત દેશભરમાં પોતાનો ડંકો વગાડી રહી છે. તાપી જિલ્લાની આશાસ્પદ અને પ્રતિભાશાળી મહિલા ખેલાડી અપિક્ષા ગામિતે 41મી જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2026માં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.
તમિળનાડુના ચેન્નઈ ખાતે યોજાયેલી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં આદિવાસી દીકરી અપિક્ષા ગામિતે મહિલા ભાલા ફેંક (Javelin Throw) ઇવેન્ટમાં 49.22 મીટરનો શાનદાર થ્રો કરીને રજત ચંદ્રક (સિલ્વર મેડલ) પોતાના નામે કર્યો છે. અપિક્ષા ગામિત હાલમાં નડિયાદ સ્થિત સ્ટેટ એથ્લેટિક્સ એકેડમી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ આકરો મહાવરો અને વ્યાવસાયિક તાલીમ મેળવી રહી છે. તેમની આ મહેનત અને સમર્પણના પરિણામે જ રાષ્ટ્રીય મંચ પર આ સિદ્ધિ હાસિલ થઈ છે. અપિક્ષાની આ સફળતા પાછળ તેમની રાત-દિવસની મહેનત અને એકેડમીના કોચનું યોગ્ય માર્ગદર્શન મુખ્ય કારણ રહ્યું છે.
રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતીને પરત ફરેલી તાપીની દીકરીની આ ઐતિહાસિક સિદ્ધિથી તાપી જિલ્લામાં આનંદ અને ગૌરવની લહેર છવાઈ ગઈ છે. રમતગમતમાં આગળ વધવા માંગતી રાજ્યની અનેક યુવા મહિલા ખેલાડીઓ માટે અપિક્ષા ગામિત એક આદર્શ અને પ્રેરણાસ્રોત બની છે.
અપિક્ષા ગામિત, તેમના પરિવારજનો, કોચિંગ સ્ટાફ અને સમગ્ર ટીમને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ચારેય તરફથી હાર્દિક અભિનંદન અને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. અપિક્ષા ગામિતની આ ઐતિહાસિક સિદ્ધિ, તાપીનું ગૌરવ અને સમગ્ર ગુજરાતની શાન છે !











