વ્યારા: ગુજરાત રાજ્યમાં પૂર્ણ દારૂબંધીનો કડક કાયદો અમલમાં હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ધરાતલ પર પરિસ્થિતિ કંઈક જુદી જ ચિત્ર રજૂ કરી રહી છે. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આયોજિત સૌથી મોટા ‘બાહુબલી ગરબા’ના સ્થળેથી સામે આવેલા દ્રશ્યોએ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
DECISION NEWS ને સ્થાનિકોના જણાવ્યા મુજબ ગરબા મહોત્સવ જ્યાં હજારો ખેલૈયાઓ અને પરિવારજનો ઉમટી પડે છે, તેવા ‘બાહુબલી ગરબા’ના કાર પાર્કિંગ વિસ્તારમાં ખુલ્લામાં દારૂની ખાલી બોટલો, પ્લાસ્ટિક અને કાચના ગ્લાસનો કચરો વિપુલ પ્રમાણમાં જોવા મળ્યો છે. પવિત્ર નવરાત્રિ પર્વ દરમિયાન આ પ્રકારનું દ્રશ્ય સામે આવતાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખાખીના નાક નીચે ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ! સૌથી ગંભીર અને ચોંકાવનારી બાબત એ છે કે: પોલીસ સ્ટેશનથી માત્ર ૧ કિમી દૂર: આ ગરબા મહોત્સવનું સ્થળ વ્યારા પોલીસ સ્ટેશનથી માંડ ૧ કિલોમીટરના અંતરે આવેલું છે. શાળાથી માત્ર ૧૦૦ મીટર દૂર: આ સ્થળની બિલકુલ નજીક (આશરે ૧૦૦ મીટરના અંતરે) ‘ટ્રિનિટી સ્કૂલ’ જેવી શિક્ષણ સંસ્થા પણ આવેલી છે. આટલી નજીક પોલીસ સ્ટેશન અને શાળા હોવા છતાં, ખુલ્લામાં દારૂની બોટલો મળી આવવી એ બાબત તરફ ઈશારો કરે છે કે કાયદાનો ભય અસામાજિક તત્વોમાં રહ્યો નથી.
આ ઘટના બાદ સ્થાનિકોમાં અનેક પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યા છે: 1 જાહેર સ્થળે આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો ક્યાંથી આવી? 2. શું સ્થાનિક પોલીસ તંત્ર આ સમગ્ર બાબતથી અજાણ છે કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? ૩. શું દારૂબંધીના કાયદા માત્ર સામાન્ય નાગરિકો કે નાના વેપારીઓ પૂરતો જ મર્યાદિત છે?
કાયદાના કડક અમલ માટે માંગ: આ મુદ્દો કોઈ વ્યક્તિગત વિરોધનો નથી, પરંતુ કાયદાના શાસન અને વહીવટી તંત્રની જવાબદારી સામેનો પ્રશ્ન છે. આ સ્થળની તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કરવામાં આવે. જો ત્યાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે કાયદાનો ભંગ થતો હોય, તો જવાબદાર આયોજકો કે તત્વો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.











