નાનાપોંઢા: આજરોજ નાનાપોંઢા, કપરાડા ખાતે પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આગેવાનોની એક વિશેષ અને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિતુભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનના આગામી કાર્યક્રમોના સફળ આયોજન અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી ગુજરાત પ્રવાસ અંતર્ગત બનાસકાંઠા ખાતે ‘PM કિસાન સન્માન નિધિ યોજના’ અંતર્ગત વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અનુસંધાને વલસાડ જિલ્લામાં યોજાનારા તમામ કાર્યક્રમો સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે મંત્રીશ્રી તરફથી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના ખેડૂતલક્ષી અભિગમ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સંગઠનના તમામ કાર્યકર્તાઓને એકજૂથ થઈને કાર્ય કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સહિયારા પ્રયાસોથી આ આગામી કાર્યક્રમોને ભવ્ય રીતે સફળ બનાવવા માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી.











