નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત વન વિભાગ અને સ્થાનિક આદિવાસી ખેડૂતો વચ્ચે જંગલ જમીનના માલિકી હક્ક અને સનદના પ્રશ્ને ઘર્ષણ ચાલી રહ્યું છે. આદિવાસી ખેડૂતો પોતાની પેઢીઓ જૂની જમીનના હક્ક માટે લડી રહ્યા છે, ત્યારે આ લડત હવે વધુ ઉગ્ર બની છે. આદિવાસી ખેડૂતોના સમર્થનમાં અગ્રણી લીલાબેન વસાવા મેદાને આવ્યા છે અને સરકાર સામે સીધો મોરચો ખોલી દીધો છે.

સાગબારા પંથકના આદિવાસી ખેડૂતો વર્ષોથી જંગલની જમીન ખેડીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. નિયમ અનુસાર આદિવાસીઓને જમીનના હક્કપત્રક (સનદ) મળવાપાત્ર હોવા છતાં, વન વિભાગ દ્વારા અવારનવાર ખેડૂતોને જમીન ખાલી કરવા માટે દબાણ કરવામાં આવે છે અને કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જમીન વિહોણા બનવાના ડર અને વન વિભાગની કાર્યવાહીથી સ્થાનિક ખેડૂતોમાં સરકાર અને પ્રશાસન સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

લીલાબેન વસાવાની આક્રમક ચીમકી: સ્થાનિક આદિવાસી ખેડૂતો પર થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવતા લીલાબેન વસાવાએ સરકાર અને વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જો આગામી 15 તારીખ સુધીમાં આદિવાસી ખેડૂતોને તેમના ન્યાયી હક્ક અને જમીનની સનદ નહીં મળે, તો મજબૂર થઈને મારે આત્મવિલોપનનું પગલું ભરવું પડશે!  તેમની આ ઉગ્ર ચીમકીથી રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં દોડધામ મચી ગઈ છે.

આદિવાસી સમાજમાં રોષ અને પ્રશાસન સામે સવાલો: આદિવાસી ખેડૂતોના હક્કોનો પ્રશ્ન લાંબા સમયથી પડતર હોવા છતાં તેનો કોઈ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જંગલ જમીન અધિનિયમ (Forest Rights Act) હેઠળ મળવાપાત્ર અધિકારોની માંગ સાથે ખેડૂતો અડગ છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં વહીવટી તંત્ર કે સરકાર આ ગંભીર મામલે શું ઠોસ પગલાં ભરે છે અને આ આંદોલન શું નવો વળાંક લે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here