ચોટીલા: ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામે આવેલ સર્વે નંબર 742ની કુલ 21 વિઘા જમીન 15 વર્ષથી અસામાજિક તત્વોના ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવીને અરજદારોને સોંપવામાં આવી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની ત્વરિત અને સંવેદનશીલ કાર્યવાહીને કારણે આ લાંબા સમયથી ચાલતા અન્યાયનો અંત આવ્યો છે.

તરણેતર ગામના અરજદારો નરેન્દ્રગીરી હેમતગીરી ગૌસ્વામી, હસમુખગીરી ઇશ્વરગીરી ગૌસ્વામી તથા રવિગીરી વિઠ્ઠલગીરી ગૌસ્વામીની આ જમીન તેમની કાયદેસર માલિકી હોવા છતાં છેલ્લા 15 વર્ષથી અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરી લેવામાં આવી હતી. અરજદારોએ આ અંગે અનેક જગ્યાએ રજૂઆતો કરી હતી, પરંતુ ક્યાંયથી ન્યાય મળતો ન હતો. છેલ્લે અરજદારોએ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાને આ બાબતે રજૂઆત કરી. જમીન માત્ર જીવન-નિર્વાહનું સાધન જ નહીં, પરંતુ વ્યક્તિની લાગણીઓ, ઓળખ, સ્વાભિમાન અને વારસાગત અધિકારો સાથે જોડાયેલી હોવાનું ગંભીરતાથી લઈને નાયબ કલેક્ટરે ત્વરિત કાર્યવાહી કરી અને જમીનને અન્યાયી કબજામાંથી મુક્ત કરાવીને અરજદારોને પરત સોંપી.

અરજદારોએ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાને રૂબરૂ મળીને તેમની કામગીરી માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને હર્ષની લાગણી વ્યક્ત કરી. આ ઘટના રાજ્ય સરકાર તથા જિલ્લા પ્રશાસનની જનકેન્દ્રિત, સંવેદનશીલ અને પરિણામલક્ષી કાર્યપદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. સામાન્ય નાગરિકોમાં કાયદાના શાસન અને ન્યાય વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની આ પ્રશંસનીય કાર્યવાહીને સ્થાનિક વર્તુળોમાં વ્યાપક પ્રશંસા મળી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here