ગુજરાત: ભારતની સંસદ દ્વારા તાજેતરમાં પારિત કરાયેલા Appropriation (No. 3) Bill, 2026ને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની મંજૂરી મળ્યા બાદ, આ બિલ હેઠળ ઉપલબ્ધ વધારાની નાણાકીય જોગવાઈઓમાંથી સમગ્ર ગુજરાતના ઉંમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટાને પ્રાથમિકતા આપી વિશેષ વિકાસ પેકેજ જાહેર કરવાની માંગ સાથે દક્ષિણ ગુજરાતના યુથ લીડર અને ખેરગામ છાંયડો હોસ્પિટલના સર્જન ડો. નિરવ ભુલાભાઇ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

મીડિયા સાથેની વાતચીતમાં ડો. નિરવ પટેલે જણાવ્યું હતું કે, ઉંમરગામથી અંબાજી સુધીનો આદિવાસી વિસ્તાર આજે પણ માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ડિજિટલ કનેક્ટિવિટી ક્ષેત્રે પછડાટ અનુભવી રહ્યો છે. આથી, પોલિસી મેકિંગ સ્તરે નિર્ણય લઈને આ વધારાના બજેટમાંથી આદિવાસી વિસ્તારો માટે ખાસ ફાળવણી કરવામાં આવે તેવી આદિવાસી સમાજની અપેક્ષા છે.

મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી 10 મુખ્ય માંગણીઓ: 1 તમામ આદિવાસી ગામો માટે સર્વ-ઋતુમાં ઉપયોગી પાકા રસ્તાઓ અને નવા પુલોનું નિર્માણ, 2 રેલવે કનેક્ટિવિટી, નવા સ્ટેશનો, રેલવે ઓવરબ્રિજ અને બસ સેવાઓમાં વધારો, 3 દરેક તાલુકામાં આધુનિક સરકારી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર, નિષ્ણાત ડોક્ટરો અને પૂરતી એમ્બ્યુલન્સની વ્યવસ્થા, 4 ગુણવત્તાયુક્ત શાળાઓ, હોસ્ટેલ, ડિજિટલ લેબ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ કેન્દ્રોની સ્થાપના, 5 ખેડૂતો માટે પૂરતી સિંચાઈ, ચેકડેમ, કોલ્ડ સ્ટોરેજ, એગ્રો-પ્રોસેસિંગ અને પાકના વાજબી ભાવ,6 યુવાનો માટે કૌશલ્ય વિકાસ કેન્દ્રો તથા સ્થાનિક GIDC વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા વિશેષ સહાય, 7 પૂરગ્રસ્ત વિસ્તારોમાં કાયમી પૂરરક્ષણ, નદી વ્યવસ્થાપન, બચાવ કેન્દ્રો અને વહેલી ચેતવણી પ્રણાલી (Early Warning System), દરેક ઘર સુધી પીવાનું ચોખ્ખું પાણી, 8 સતત વીજ પુરવઠો અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી, આદિવાસી મહિલા સ્વસહાય જૂથો, 9 વન-ઉત્પાદન આધારિત ગૃહઉદ્યોગો અને સ્થાનિક હસ્તકલાને પ્રોત્સાહન, 10 સમગ્ર આદિવાસી પટ્ટા માટે સમયબદ્ધ “વિશેષ આદિવાસી વિકાસ પેકેજ”નું અમલીકરણ.

ડો. નિરવ પટેલે આશા વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકાર આ તમામ વ્યાજબી માંગણીઓ પર સકારાત્મક નિર્ણય લઈને સમગ્ર ગુજરાતના લાખો આદિવાસી નાગરિકોના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here