ગુજરાત: રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં જમીન, વારસાગત હક તથા જાતિના દાખલા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પેઢીનામા માટેની કામગીરી ગામના જ તલાટી કમ મંત્રી અથવા સ્થાનિક અધિકારી દ્વારા પૂર્ણ કરવામાં આવે તેવી સરળ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા બાબતે ખેરગામ છાંયડો હોસ્પિટલના સર્જન અને દક્ષિણ ગુજરાતના યુથ લીડર ડો. નિરવ ભુલાભાઇ પટેલે રેવન્યુ સચિવને લેખિત રજૂઆત કરી છે.
અગાઉ ગ્રામ પંચાયત સ્તરે તલાટી કમમંત્રી સ્થાનિક રેકોર્ડ અને સાક્ષીઓના આધારે સરળતાથી પેઢીનામું બનાવી આપતા હતા, જે ઝડપી અને ઓછી ખર્ચાળ પ્રક્રિયા હતી. પરંતુ હાલમાં પેઢીનામું મેળવવા માટે તાલુકા કચેરીએ રેવન્યુ તલાટી સમક્ષ અરજદારો અને ત્રણ સાક્ષીઓને હાજર રહેવું પડે છે. આ વ્યવસ્થાના કારણે અરજદારો અને સાક્ષીઓના સમય અને મુસાફરી ખર્ચમાં મોટો વધારો થાય છે. દૈનિક મજૂરી કરતા ગરીબ, શ્રમજીવી અને ખેડૂત પરિવારોની રોજગારીનું નુકસાન થાય છે. અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના લોકો, મહિલાઓ, દિવ્યાંગો અને વડીલો માટે તાલુકા મથકે પહોંચવું અત્યંત તકલીફદાયક બને છે.
મુખ્ય માંગણીઓ: “સરકાર તમારા દ્વાર” અને “Ease of Living” ના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ડો. નિરવ પટેલે સરકાર સમક્ષ નીચે મુજબની રજૂઆતો કરી છે: અગાઉની જેમ ગ્રામ પંચાયત સ્તરે જ તલાટી કમ મંત્રી કે અધિકૃત સ્થાનિક અધિકારી દ્વારા પેઢીનામું તૈયાર કરવાની સત્તા આપવી, જો રેવન્યુ તલાટીની ભૂમિકા અનિવાર્ય હોય, તો તાલુકા કચેરી બોલાવવાના બદલે ગામમાં જ કેમ્પ કે ગ્રામ પંચાયત મારફતે કામગીરી થાય, આદિવાસી, SC, ST, OBC અને દૂરના વિસ્તારો માટે વિશેષ સરળ પ્રક્રિયા અમલમાં મૂકવી અને પ્રમાણપત્ર આપવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવી, સમગ્ર રાજ્યમાં આ અંગે નાગરિકમૈત્રી અને પારદર્શક પ્રક્રિયા માટે નવો પરિપત્ર જાહેર કરવો.
ડો. નિરવ પટેલે ઉમેર્યું હતું કે આ નિર્ણયથી રાજ્યના લાખો ગ્રામજનોને સીધો ફાયદો થશે અને અનાવશ્યક વહીવટી બોજમાંથી મુક્તિ મળશે. જાહેર હિતના આ નિર્ણય પર સરકાર તાત્કાલિક હકારાત્મક પગલાં લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.











