AI ફોટોગ્રાફ્સ

ગુજરાત: ગુજરાતમાં ગેરકાયદેસર અને શંકાસ્પદ અનુસૂચિત જનજાતિ (ST) પ્રમાણપત્રોના આધારે સરકારી સેવાઓમાં મેળવેલી નિમણૂકો અને બઢતીઓ સામે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ બાબતે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયા અને જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ના અધ્યક્ષ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ને એક વિસ્તૃત રજૂઆત મોકલીને આ સમગ્ર કૌભાંડની સમયબદ્ધ અને નિષ્પક્ષ સ્વતંત્ર તપાસ કરાવવા માંગ કરી છે.

આ મુદ્દે ડો. નિરવ પટેલે જણાવ્યુ હતું કે, આ વિષય માત્ર કોઈ એક વ્યક્તિની નોકરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ બંધારણ દ્વારા આદિવાસીઓને આપવામાં આવેલા હકો અને સંવૈધાનિક અધિકારોની રક્ષા સાથે જોડાયેલો અત્યંત સંવેદનશીલ મુદ્દો છે.

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે: SIT ની રચના: એક વરિષ્ઠ IAS અધિકારીની અધ્યક્ષતામાં આદિવાસી વિકાસ, સામાન્ય વહીવટ, ગૃહ, મહેસૂલ, શિક્ષણ, પોલીસ વિભાગ અને ST સ્ક્રુટિની ઓથોરિટીના પ્રતિનિધિઓ સહિતની વિશેષ તપાસ સમિતિ (SIT) ની રચના કરવી. અગાઉની સમિતિઓની સમીક્ષા: અગાઉ ગઠિત થયેલી કારિયા કમિટી કે અન્ય સમિતિઓના નિષ્કર્ષોની સ્વતંત્ર સમીક્ષા કરવી. જો કોઈ કમિટીએ ફરિયાદો પર પૂરતી કાર્યવાહી ન કરી હોય કે કેસો યોગ્ય તપાસ વિના બંધ કર્યા હોય, તો તેમની સામે પણ વિભાગીય તપાસ હાથ ધરવી. સઘન ‘સર્ટિફિકેટ ઓડિટ’: રાજ્યના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, પોલીસ, શિક્ષકો, તલાટી અને આરોગ્ય વિભાગ સહિત વર્ગ A, B, C, D ના તમામ કર્મચારીઓના ST પ્રમાણપત્રોનું વિશેષ અભિયાન ચલાવીને સઘન ઓડિટ કરવું. દસ્તાવેજોની બારીક ચકાસણી: મૂળ જ્ઞાતિ પ્રમાણપત્ર, મહેસૂલી રેકોર્ડ, શાળાઓના GR, લિવિંગ સર્ટિફિકેટ, પેઢીનામું અને પૂર્વજોના દસ્તાવેજોની ચકાસણી અસલી આદિવાસી અધિકારીઓ દ્વારા કરાવવી. સમયસીમા અને ATR: પ્રાથમિક તપાસ 90 દિવસમાં પૂર્ણ કરી જિલ્લા અને વિભાગવાર ‘એક્શન ટેકન રિપોર્ટ’ (ATR) જાહેર કરવો. કડક કાનૂની કાર્યવાહી: નકલી પ્રમાણપત્ર સાબિત થાય તો કર્મચારીને તત્કાલ બરતરફ કરવા, પગાર-લાભોની વસૂલાત કરવી અને FIR નોંધી ગુનાહિત કાર્યવાહી કરવી. મોનિટરિંગ અને સુરક્ષા: સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ CMO અને NCST સ્તરે થાય તેમજ ફરિયાદ કરનારા જાગૃત નાગરિકોની ગુપ્તતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

આદિવાસી સમાજે આશા વ્યક્ત કરી છે કે ગુજરાત સરકાર આ ગંભીર જનહિતના મુદ્દાને પ્રાથમિકતા આપીને વહેલી તકે પારદર્શી અને કડક નિર્ણયો લેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here