રાંચી: ઝારખંડનું પ્રતિનિધિત્વ કરીને થ્રોબોલ અને વોલીબોલ જેવી રમતોમાં બે ગોલ્ડ મેડલ સહિત અનેક પદકો જીતનાર પ્રતિભાશાળી આદિવાસી મહિલા ખેલાડી સુનીતા ઉરાંવની દયનીય સ્થિતિ સામે આવી છે. દેશ અને રાજ્યનું નામ રોશન કરનાર આ ખેલાડી હાલ રાંચીના સ્પોર્ટ્સ ડિરેક્ટોરેટમાં માત્ર ₹10000 ના માસિક વેતન પર સફાઈ કર્મચારી તરીકે કામ કરવા મજબૂર બન્યા છે.
આ બાબત ધ્યાને આવતાં નવસારી જિલ્લાના અગ્રણી અને સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉ. નિરવ પટેલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ઈમેલ દ્વારા રજૂઆત કરીને સુનીતા ઉરાંવને કાયમી સરકારી નોકરી અને સન્માનજનક આજીવિકા આપવા માંગ કરી છે. ડૉ. નિરવ પટેલે જણાવ્યું હતું કે,”મેડલ જીતનારા ખેલાડીઓ માત્ર તાળીઓના જ નહીં, પરંતુ સન્માનજનક રોજગાર અને સુરક્ષિત ભવિષ્યના પણ હકદાર છે.”
ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓ: સુનીતા ઉરાંવની રમતોની સિદ્ધિઓની સત્તાવાર ચકાસણી કરીને રમતગમત ક્વોટા હેઠળ તાત્કાલિક કાયમી સરકારી સેવામાં નિયુક્તિ આપવામાં આવે. કાયમી નોકરીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા તેમને યોગ્ય આર્થિક સહાય ભથ્થું ચૂકવવામાં આવે. ઝારખંડમાં મેડલ જીત્યા બાદ બેરોજગાર કે આર્થિક સંકટ ભોગવતા ખેલાડીઓ માટે “Medalist Athlete Employment & Welfare Review” શરૂ કરી રાજ્યવ્યાપી ડેટાબેઝ બનાવવો. જો સિદ્ધિઓ રાષ્ટ્રીય સ્તરની હોય તો કેન્દ્રના રમતગમત મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) સાથે સમન્વય સાધીને યોગ્ય પુનર્વસન કરવું.











