વાંસદા: નવસારી જિલ્લામાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી ભારે તારાજીને પગલે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને તાત્કાલિક રાહત, પુનર્વસન અને વિશેષ સહાય પેકેજ જાહેર કરવા માંગ કરી છે. ખાસ કરીને વાંસદા, ચીખલી અને ખેરગામ સહિતના આદિવાસી વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતાં હજારો પરિવારો આજે ગંભીર જીવનનિર્વાહના સંકટનો સામનો કરી રહ્યા છે.
અનંત પટેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે, નદી-નાળાઓમાં આવેલા પૂરને કારણે હજારો ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી, અનાજ, શૈક્ષણિક સામગ્રી તેમજ ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને પંખા જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. અનેક કાચા-પાકા મકાનો ધરાશાયી થતાં લોકો નિરાધાર બન્યા છે.
આ ઉપરાંત, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પણ અણધારી પાક નુકસાની વેઠવી પડી છે. ડાંગર, શાકભાજી અને બાગાયતી પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે પૂરના જોરદાર પ્રવાહમાં ખેતરોની ફળદ્રુપ માટી ધોવાઈ ગઈ છે અને રેતી-કાંકરાનો ભરાવો થતાં જમીન આગામી સીઝન માટે ખેતીલાયક રહી નથી. આથી માત્ર પાક નુકસાનીનું વળતર જ પૂરતું નથી, પરંતુ જમીન સુધારણા અને માટી પુરાણ માટે પણ વિશેષ સહાય જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ: 1. આવાસ સહાય: ધરાશાયી થયેલા કે રહેવા અયોગ્ય બનેલા મકાનોના પરિવારોને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ તાત્કાલિક નવા મકાનો મંજૂર કરવામાં આવે. 2. જમીન સુધારણા સહાય: ધોવાઈ ગયેલી ફળદ્રુપ માટી ભરવા, જમીન સમતળ કરવા અને રેતી દૂર કરવા માટે ખેડૂતોને વિશેષ આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. 3. પાક તથા બાગાયત નુકસાની: ઉભા પાક, ફળાઉ વૃક્ષો (કેરી, ચીકુ, કેળા) અને બાગાયતી ખેતી માટે તાત્કાલિક સર્વે કરી વિશેષ વળતર પેકેજ જાહેર થાય. 4. ઘરવખરી અને રોકડ સહાય: નાશ પામેલી ઘરવખરી અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સામે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રોકડ સહાય આપવામાં આવે. 5. આંતરમાળખાકીય સુવિધાઓ: અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ, પુલ, વીજળી અને પીવાના પાણીની વ્યવસ્થાનું યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન થાય. 6. જીવનનિર્વાહ સહાય: ગરીબ, આદિવાસી અને દૈનિક મજૂરી પર નભતા પરિવારોને વિશેષ જીવનનિર્વાહ ભથ્થું આપવામાં આવે.
અંતમાં તેમણે ઉમેર્યું હતું કે, નવસારી જિલ્લાની જનતા હાલ અત્યંત વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, ત્યારે માનવતાના ધોરણે આ તમામ માંગણીઓ પર તાત્કાલિક હકારાત્મક નિર્ણય લઈને પ્રજાને રાહત પહોંચાડવામાં આવે.











