તાપી: તાપી જિલ્લાના નવનિર્મિત ઉકાઈ તાલુકાના સીંગપુર ગામના વતની પંકજભાઈ દિનેશભાઈ ગામીતે GPSC દ્વારા આયોજિત દિવ્યાંગ ઉમેદવારો માટેની ‘ગુજરાત એજ્યુકેશન સર્વિસ વર્ગ-2’ની વિશેષ ભરતીમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. તેમણે સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પસંદગી પામી સમગ્ર તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે.
અભ્યાસમાં તેજસ્વી એવા પંકજભાઈએ વર્ષ ૨૦૨૩માં સરકારી વિનયન-વાણિજ્ય કોલેજમાંથી સ્નાતક (Graduation) અને વર્ષ 2025 માં પ્રતિષ્ઠિત ગુજરાત વિદ્યાપીઠમાંથી અનુસ્નાતક (Post Graduation)ની પદવી મેળવી હતી. હાલમાં તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં પાર્ટ-ટાઈમ પીએચ.ડી. સ્કોલર તરીકે સંશોધન કરી રહ્યા છે. આ સાથે તેઓ રાજકોટ સ્થિત માતૃશ્રી વીરબાઈમા મહિલા આર્ટ્સ કોલેજના સમાજશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક સહાયક તરીકે સેવા આપી રહ્યા છે.
પંકજભાઈની આ વિશેષ સિદ્ધિ અને મહેનતે દિવ્યાંગતાને માત આપીને સફળતાનો નવો માર્ગ ચીંધ્યો છે. તેમની આ સફરથી સીંગપુર ગામ સહિત સમગ્ર તાપી જિલ્લામાં ભારે હરખ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જિલ્લાના વિવિધ સામાજિક આગેવાનો, શિક્ષકો, સ્નેહીઓ અને મિત્રો દ્વારા તેમને આ ઉત્કૃષ્ટ સફળતા બદલ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરાઈ રહી છે.











