વઘઈ: ગતરોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલા બોટાનીકલ ગાર્ડન ખાતે રાજ્ય વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે “ડાંગ મિલેટ્સ કાફે”નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ વઘઇ બોટાનીકલ ગાર્ડન ખાતે પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે “ડાંગ મિલેટ્સ કાફે”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેદ્ર મોદીએ વર્ષ-2023ને મીલેટ્સ વર્ષ ઘોષિત કર્યું છે. જેની ઉજવણીના ભાગરૂપે પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં, દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ‘વઘઈ પરિસરિય પ્રવાસન વિકાસ સહકારી મંડળી’ના નેજા હેઠળ બોટાનિકલ ગાર્ડન ખાતે મહિલાઓ સંચાલિત મીલેટ્સ બેકરીની શરૂઆત કરવામાં આવી છે.

વઘઇ ખાતે શરૂ કરાયેલા મીલેટ્સ બેકરીમા નાગલી, જુવાર, મકાઈ, બાજરો, ચણા, મોરયો વિગેરે આખા ધાનનો ઉપયોગ કરી બનાવેલી તમામ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે. જેમાં બિસ્કિટ, કુકીઝ, કેક, બ્રેડ, પિત્ઝા, પાસ્તા વિગેરે વાનગીઓ મહિલાઓ દ્વારા બનાવી વેચાણ કરવામાં આવશે. જેનાથી લોકોને આરોગ્યપ્રદ અને પૌષ્ટિક આહાર મળી રહેશે.