નવસારી: દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થયા બાદ હવે ધીરે-ધીરે રાજકીય માહોલ જામી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં ભાજપના કાર્યકરોની પ્રથમ બેઠક બોલાવવામાં આવી છે. આજે પંડિત દિન દયાળ પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી જિલ્લા ભાજપની બેઠક પણ યોજાય હતી. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને વિજય અપાવવા અંગેની રણનીતિ અને પ્રચાર પ્રક્રિયા અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં આજથી ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવશે જે અંગે પક્ષના કાર્યકરોને અગ્રણી હરોળના નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવસારી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઉમેદવારી જાહેર થયેલા તમામ ઉમેદવારો બી.આર ફાર્મ ખાતે ભેગા થયા હતા અને અમદાવાદથી યોજાયેલા કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના પ્રદેશના સંગઠનના કાર્યકરોને સાંસદ સી.આર. પાટીલે દિનદયાલ ઉપાધ્યાયના જીવનના સૂત્ર એવા અંત્યોદયને જન જન સુધી પહોંચાડવા માટે ઉમેદવારો અને સંગઠનના કાર્યકરોને શપથ લેવડાવી વિજય ફતાકા લહેરાવવા જણાવ્યું હતું.