ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી ગણતરીના દિવસોમાં યોજાનાર છે. ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપી રહ્યા છે. બીજી બાજુ સી આર પાટીલએ જાહેરાત કરી હતી કે, આ વખતની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ ઉંમરના, સતત 3 વખત ચૂંટણી લડેલા અને ભાજપ આગેવાન, હોદ્દેદાર અને ચૂંટાયેલા સભ્યના કોઈ પણ નજીકના સંબંધીને ટીકીટ નહિ મળે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આ નિર્ણય બાદ સિનિયર સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશના આ નિર્ણયને આવકારી પોતાની પુત્રી અને ભત્રીજાની દાવેદારી પરત ખેંચી છે. નર્મદા જિલ્લાની આમલેથા જિલ્લા પંચાયત અને વડીયા તાલુકા પંચાયત ચૂંટણી માટે મનસુખ વસાવાની પુત્રી પ્રીતિબેન વસાવાએ અને ગરુડેશ્વર તાલુકા પંચાયતની નવા-વાઘપુરા બેઠક માટે એમના ભત્રીજા હસમુખભાઈ ગોવિંદભાઈ વસાવાએ દાવેદારી નોંધાવી હતી.

ગાંધીનગર ખાતે હાલ નર્મદા જિલ્લા સહીત અન્ય જિલ્લાઓની તાલુકા તથા જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે પાર્લામેન્ટ્રી બોર્ડની એક બેઠક મળી હતી.એ બેઠક પેહલા જ મનસુખ વસાવાએ પોતાની પુત્રી અને ભત્રીજાની દાવેદારી પરત ખેંચવાની જાહેરાત કરી છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે પાર્ટીના નિર્ણયને હું ખૂબ જ આવકારું છું. મારા પરિવારના બંને સભ્યોની દાવેદારી પાછી ખેંચીએ છીએ અને પાર્ટીમાંથી અન્ય જે કોઈપણ ઉમેદવારનું નામ આવશે, તેને જીતાડવા માટે મહેનત કરીશું.