સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે મોટી મોટી પાર્ટીના મોટા નેતાઓએ ગુજરાતમાં આવી રહ્યા છે. આજે અમિત શાહ અમદાવાદની ટૂંકી મુલાકાતે આવી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, ટિકિટોની વહેંચણીના મુદ્દાને લઇને અમિત શાહના સમર્થકોમાં ખૂબ અસંતોષ છે. શાહ જૂથના નેતાઓએ તેમનામાંથી થોડા લોકોને સમાવ્યા હોવાની વાતથી અસંતોષ છે. જેને ખાળવા માટે અમિત શાહ આજે સાતમી ફેબ્રુઆરીના રોજ રવિવારે અમદાવાદ આવી રહ્યાં છે. સોમવારે તેઓ પ્રદેશના ભાજપના નેતાઓ તથા પોતાના સમર્થકો સાથે બેઠકો કરશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરવા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા રાજકોટમાં 20 કિલો મીટરનો રોડ શો કરશે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ AIMIMના ચીફ અસદ્દુદ્દીન ઓવૈસી ગુજરાતમાં આજે ભરૂચથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવાના છે.
ભાજપ પક્ષના જણાવ્યાં પ્રમાણે, ગૃહમંત્રી અમિત શાહ લોકસભા મતવિસ્તાર ગાંધીનગરની સંકલન બેઠક માટે અમદાવાદ આવી રહ્યાં છે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કાર્યકરોમાં ટિકિટ વહેંચણીને કારણે ઘણો અસંતોષ વ્યાપ્યો છે તેના કારણે તેઓ ગુજરાતની ટૂંકી મુલાકાતે આવી રહ્યાં છે.
આજે ઔવેસી પણ ગુજરાતની મુલાકાતે છે. મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઔવેસીની પાર્ટી AIMIMના ઉમેદવારો ઉતર્યા છે. સાથે છોટુભાઈ વસાવાની સાથે ગઠબંધન પણ કર્યું છે. ત્યારે સુરત એરપોર્ટ પર ઔવેસીના સ્વાગત માટે છોટુ વસાવાના પુત્ર અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા પહોંચ્યા હતા. BTP અને MIMએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધન સાથે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરવા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા રાજકોટમાં 20 કિલો મીટરનો રોડ શો કરશે. શનિવારે, અમદાવાદમાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા અમદાવાદ આવી પહોંચ્યા હતા. શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા નાગરવેલ હનુમાનથી તેમની આગેવાનીમાં એક રોડ-શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ શોમાં મોટી સંખ્યામાં બાઈક સવારો પણ જોડાયા હતા.