ગણતંત્ર દિવસના અવસરે 26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પછી એવું લાગતું હતું કે ખેડૂત આંદોલન નબળું પડી રહ્યું છે પરંતુ હવે તે ફરીથી તેજ થવા માંડ્યુ છે. કૃષિ કાયદા વિરુદ્ધ ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો ભેગા થવા લાગ્યા છે. અનેક રાજકીય પક્ષોએ તેમનું સમર્થન કર્યું છે. ભારત કિસાન યુનિયનના રાકેશ ટિકૈત ધરણા પર અડી ગયા છે. તેમણે મુઝફ્ફરનગરમાં થનારી મહાપંચાયત પહેલા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુપી સરકાર પાસે માગણી છે કે પ્રદર્શનસ્થળ પર સુવિધાઓ આપવામાં આવે. અમે ધરપકડ વ્હોરીશું નહી સરકાર સાથે વાત કરીશું.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને આપ વિધાયક રાઘવ ચઢ્ઢા સિંઘુ બોર્ડર પર પહોંચ્યા. અહીં ખેડૂતો કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હી સરકાર દ્વારા કરાયેલી પાણી અને શૌચાલયની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે અમે અહીં પહોંચ્યા છીએ. પોલીસે પાણીની ટેન્કરોની અવરજવર રોકી હતી. જેનાથી અહીં પાણી પહોંચતું નહતુ.

જયારે બીજી બાજુ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા ગાઝીપુર બોર્ડર પહોંચ્યા છે. જ્યાં ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે અમે પ્રદર્શન સ્થળ ખાલી કરીશું નહીં. અમે પહેલા અમારા મુદ્દાઓ પર ભારત સરકાર સાથે વાત કરીશું.