ગણતંત્ર દિવસના દિવસે દિલ્હીમાં ટ્રેકટર માર્ચ દરમિયાન થયેલી હિંસા બાદ ખેડૂત આગેવાનોની મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે ગઈકાલે થયેલી હિંસા બાદ પોલીસે એક્શન લેવાનુ શરુ કરી દીધુ છે.

મળતી માહિતી મુજબ સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવની વિરુદ્ધ પણ દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના અનુસાર દિલ્હી પોલીસની એફઆઈઆરમાં ખેડૂત ટ્રેક્ટર રેલી અંગેની એનઓસીનું ઉલંઘન માટે ખેડૂત નેતા રાકેશ ટિકૈત, દર્શન પાલ, રાજિન્દરસિંહ, જોગિન્દર સિંહ જેવા ખેડૂતોનો સમાવેશ થાય છે.કેટલાક ખેડૂત નેતાઓ સામે ટ્રેકટર રેલી માટે અપાયેલી મંજૂરીના નિયમોનુ ઉલ્લંઘન કરાયુ હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અલગ અલગ પોલીસ મથકોમાં પોલીસે નોંધેલી ફરિયાદોમાં અલગ-અલગ ખેડૂત આગેવાનોના નામ છે. જ્યાં જ્યાં પોલીસ પર વધારે હુમલા થયા છે ત્યાં પોલીસે ફરિયાદ દાખલ કરી દીધી છે. પોલીસે હવે આ ફરિયાદોને ક્લાસીફાઈડ કરી છે. જેના પગલે માત્ર તપાસ કરનાર અધિકારી અને સબંધિત મેજિસ્ટ્રેટ જ પાસવર્ડનો ઉપયોગ કરીને ફરિયાદને જોઈ શકશે.

બીજી તરફ દિલ્હી પોલીસે શહેરમાં ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસક ઘટનાના સંદર્ભમાં 200 લોકોની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસે કહ્યું કે જલ્દી બાકીનાની પણ ધરપકડ કરાશે. તેમજ દિલ્હી વેસ્ટર્ન ઝોનમાં 93 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આમ તો કુલ 22 ફરિયાદો નોંધી છે. એક અંદાજ મુજબ કુલ મળીને 40 જેટલા ખેડૂત આગેવાનોના નામ ફરિયાદોમાં સામેલ કરાયા છે.