ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં અંકલાછ ગામ આવેલું છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, મહિલા સંચાલિત દુધની ડેરી, પંચાયત ઘર, પોસ્ટ- ઓફિસ, પોલિસ ચોકી, પાવર હાઉસ, સસ્તા અનાજની દુકાન અને રેફરલ હોસ્પિટલ, જેવી માળખાકીય સગવડો ઉપલબ્ધ થયેલ છે. રાજ્યના ધરમપુર-વાંસદાના ધોરી માર્ગ નં.૫-એ પર આવેલા આ ગામમાં ગામને જોડતા રસ્તા પાકા થયા છે, પરંતુ ગામના અમુક ફળિયાઓમાં હજુ રસ્તા કામ બાકી હોય એમ લાગે છે.

ગામમાં ગ્રામજનો મુખ્ય વ્યવસાય, ખેતી, ખેતમજૂરી, અને પશુપાલન છે. અહીંની મુખ્ય ખેતપેદાશ, ડાંગર, નાગલી, જુવાર શેરડી, કેરી કેળા કંદ તેમજ શાકભાજીમાં ટીડોળા, ગલકા, કારેલા વગેરેનો સમાવેશ કરી શકાય છે. ગામ એક શાકભાજી માર્કેટ યાર્ડ પણ આવેલું છે વાંસદા તાલુકાના ગામોમાં જોઈએ તો ઉનાઈ ગામને બાદ કરતા આ પ્રકારનું માર્કેટ યાર્ડ બીજા કોઈ ગામમાં જોવા મળતું નથી આ માર્કેટ યાર્ડના કારણે ગામના ખેડૂતોની ૭૦ ટકા મુશ્કેલીઓ દુર થઇ ગઈ હોવાનું ગામના યુવાનો જણાવે છે. આ ગામની વસ્તી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો લગભગ ૫૦૦૦ જેટલી છે જેમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. અહીંના લોકો કુકણા બોલી અને ધોડિયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે. ગામમાં પ્રધાનમંત્રી સડક યોજના, નલ સે જલ યોજના, આવાસ યોજના, વ્હાલી દિકરી યોજના જેવી વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી છે આ ગામ એક આદર્શ ગામ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.