ગુજરામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. ચુંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી રાજય ચૂંટણી હેઠળના વિસ્તારોમાં મુખ્યમંત્રી તથા મંત્રીઓના હસ્તે થનારા ધ્વજવંદનના કાર્યક્રમોને લઇને રાજય ચૂંટણી પંચે કેટલીક બાબતોનું પાલન કરાવવાની જિલ્લા ચૂંટણી અધિકારી સહિત અન્યોને સૂચના જારી કરી છે. તે મુજબ મુખ્યમંત્રી કે મંત્રી પોતાના વકતવ્યમાં સરકારની કામગીરી, પક્ષની કામગીરી કે ઉપલબ્ધિઓ તેમ જ સિધ્ધિઓ વગેરેનો સમાવેશ થવો જોઇશે નહીં. તેમનું વક્તવ્ય ગણતંત્ર દિનના ઐતિહાસિક મહત્વ અને દેશભક્તિ તેમ જ રાષ્ટ્રીય એકતાના વિષય પુરતું સિમિત રહેશે. આ ઉપરાંત તેમના વકતવ્યમાં સરકારી કાર્યક્રમો, સિધ્ધિઓ, જાહેરાતો કે ભવિષ્ય માટેના આયોજનો કે વચનોનો સમાવેશ ન થાય તે જોવાનું રહેશે.
ગુજરાત ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીએ જણાવ્યું છે કે, ગણતંત્ર દિનના કાર્યક્રમની આ ઉજવણીમાં કોઇ રાજકીય પક્ષના પ્રતિક, પદાધિકારીઓના ફોટોગ્રાફસ, ઉચ્ચારણો, સૂત્રો કે બેનર્સનો ( દ્રશ્ય, શ્રાવ્ય માધ્યમથી ) ઉપયોગ ન થાય તેની કાળજી લેવાની રહેશે. તેની સાથો સાથ જિલ્લા ચુંટણી અધિકારી/ સંબંધિત ચુંટણી અધિકારીએ સમગ્ર કાર્યક્રમની વીડીયોગ્રાફી કરવાની રહેશે.
શહેર તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને તમામ કલેકટરોને અપાયેલી સૂચનામાં વધુમાં એમ પણ જણાવ્યું છે કે, ગણતંત્ર દિનના કાર્યક્રમો દરમિયાન ચુંટણીની આદર્શ આચારસંહિતા ભંગ થાય/ મતદારો પ્રભાવિત થાય તે પ્રકારની કોઇ બાબત ન બને તે જોવાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રની રહેશે. આ શરતોનું પાલન થાય તે જોવા તેમ જ શાસક પક્ષ, રાજકીય પક્ષો કે ઉમેદવારો અને વહીવટી તંત્ર માટેની આદર્શ આચારસંહિતા અંગેની સૂચનાઓનું સબંધિતો તરફથી પાલન થાય તે જોવાનું રહેશે.
મહત્વનું છે કે, રાજયની 6 મહાનગપાલિકા, 31 જિલ્લા પંચાયત તથા 231 તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી તથા સ્વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણીઓ યોજવાની 23 જાન્યુઆરીના રોજ જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતની સાથે જ રાજયના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં 23મીથી જ આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જેથી રાજય ચૂંટણી આયોગ દ્રારા આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે માટેના કેટલાંક માર્ગદર્શનો જારી કર્યા છે.