નર્મદા જિલ્લમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક શૂલપાણેશ્વર અભિયારણને હોવાથી નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાયો હતો, અને  121 ગામના આદિવાસી ખેડુતોના નમૂના નંબર 7 માં ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી પડાતા વિવાદ વધ્યો હતો. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતે પણ એ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. તો સાથે સાથે કોંગ્રેસ-BTP એ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.અંતે સરકારે ઈકો સેન્સિટિવ ઝોનની એન્ટ્રી રદ કરતા વિવાદ અને વિરોધ પર પૂર્ણ વિરામ મુકાયું હતું.

આગામી સમયમાં નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ઈકો સેન્સેટિવ ઝોનના નામનું ભૂત ફરી ધુણ્યું છે. ભીલીસ્થાન ટાઈગર સેનાએ ડેડીયાપાડામાં ઈકો સેન્સિટિવ ઝોન હટાવો અને અનુસૂચિ-5 બચાવોના નારા સાથે એક જાહેરસભાનું આયોજન કર્યું છે. એ જાહેરસભામાં BTP ના પાર્ટીના સ્થાપક આદિવાસી મસીહા ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા, ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા સહિત અન્ય આદીવાસી આગેવાનો ઉપસ્થિત રહી સભા સંબોધશે. આ જોતા આગામી સમયમાં ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.

જયારે બીજી તરફ નર્મદા જિલ્લા વહીવટી તંત્રનું કહેવું છે કે પૂરતી માહિતીના અભાવે અમુક લોકો જાહેર જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. ઈકો સેન્સેટીવ ઝોનની રચનાનો મુખ્ય હેતુ પ્રાકૃતિક સૌંદર્ય જળવાઈ રહે, જળસ્ત્રાવ માટે નદીઓનું અસ્તિત્વ જળવાઈ રહે, જૈવિક સંપતિ અને વન્યજીવો ઉપર આડકતરી રીતે બધાનુ અસ્તિત્વ ઉભુ ન થાય તેમજ આદિવાસી સમાજની જળ-જંગલ-જમીન-ખનીજ સંપદાઓ, વગેરેનું પર્યાવરણીય રક્ષણ રહે તે માટેનો છે. ઈકો સેન્સેટીવ ઝોનમાં સમાવિષ્ટ થતા ગામોના ગામ નમુના નં. 7 નાં બીજા હકકમાં નોંધો દાખલ કરવા અંગેની સૂચના મૂળ અસરથી રદ કરવામાં આવી છે. હવે બીજા હકમાં કોઇ જ નોંધ પાડવામાં આવે નહિ.

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એમ કહી રહ્યું છે કે ઈકો સેન્સેટીવ ઝોનની ખેતીની જમીનોના ખાતેદારના માલિકી હક્કમાં કોઈ ફેરફાર થતો નથી તથા તેઓ આવી જમીન ગમે ત્યારે અન્યને વેચી શકે છે. આ જમીનોની માલિકી જે તે ખાતેદારોની જ રહે છે તથા આવી જમીન નિયત કાર્ય પધ્ધતિ અનુસરીને બિનખેતી હેતુ માટે રૂપાંતરિત કરી શકાય છે. ભારતના સંવિધાનની અનુસુચિ-5 અને 6 માં સમાવિષ્ટ આદિવાસીઓના કોઈ પણ પ્રકારના હકોનું હનન થતું નથી.ઈકો સેન્સેટીવ ઝોનમાં આવેલ જમીનોમાં મોનીટરીંગ કમિટીની મંજુરીથી રહેણાંક, હોટલ, રિસોર્ટ, પર્યાવરણને નુકશાન ન થાય તેવા લઘુ ઉદ્યોગો બિનખેતી વિષયક પ્રવૃત્તિઓ માટે માત્ર પૂર્વ પરવાનગી લેવાની હોય છે, પરંતુ આવી બિનખેતી માટે આવી કોઈ મનાઈ કરવામાં આવી નથી.

વધુમાં રહ્યું છે કે ઈકો સેન્સીટીવ ઝોનનો હેતુ વિસ્તારની જમીનો મોટા ઔધોગિક ગૃહો તથા અન્ય વ્યક્તિઓ દ્વારા પાણી તથા હવાને પ્રદૂષિત કરે તેવા ઉદ્યોગોની સ્થાપના પર નિયંત્રણ મુકવાનો છે તેમજ આદિવાસી સમાજની રહેણી કરણી, જાતિગત પરંપરા અને સંરકૃતિ ઉપર પ્રદુષણના કારણે માઠી અસર ન પડે તેવો છે.ઈકો સેન્સીટીવ ઝોનમાં કૃષિ પધ્ધતિમાં ફેરફાર, ભુગર્ભ જળનો વ્યવસાયિક ઉપયોગ, વિજળી માટે તાર ખેચવાની, વિજ જોડાણ, હોટલ, અને રહેણાંકના પરિસર ફરતે વાડ કરવાની , રસ્તો પહોળો કરવાની કામગીરી , ખેતરમાં ટ્રેકટર લાવવા લઈ-જવા, રાત્રિમાં ગ્રામ્ય વિસ્તારોની અવર જવર, ગ્રામ્ય વિસ્તારોમાં ધંટી ચલાવવા કે માલિકીના ઝાડ કાપવા ઉપર કોઈ પ્રતિબંધ કે મનાઈ નથી.