ચીનની કંપની અલીબાબાના સ્થાપક જેક મા એ ત્રણ મહિના સુધી ગુમ રહ્યા બાદ બુધવારે અચાનક દુનિયા સમક્ષ આવીને સૌને ચોંકાવી દીધા હતા. તેઓ એક વીડિયો કોન્ફ્રેન્સમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. ત્રણ મહિના સુધી તેમનું ગાયબ રહેવુ ચીનની સરકાર માટે મોટી સમસ્યા બની ગયુ હતું. કારણ કે વિશ્વભરના દેશો ચીની સરકાર પર જેક માને ગાયબ કરવાના આક્ષેપ લગાવી રહ્યા હતા.

ચીનના પ્રખ્યાત બિઝનેસમેન જેક માએ બુધવારે એક વાર્ષિક કાર્યક્રમમાં ગ્રામીણ શિક્ષકોને વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા સંબોધિત કર્યા હતા. જોકે આ દરમિયાન તેમણે પોતાના વર્તમાન સ્થળ કે લોકેશનનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. જેક માનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે, પરંતુ એ વિશે કોઇ માહિતી નથી કે તેઓ હાલમાં ક્યાં છે. ચીની સરકાર દ્વારા તેમના ઇન્ટરનેટ સામ્રાજ્ય પર કબજો લેવાની અફવાઓ વચ્ચે વીડિયો કોન્ફ્રેન્સમાં જેક માએ કહ્યુ હતું કે હાલમાં જ મેં મારા સહયોગી સાથે વિચારણા કરી અને અભ્યાસ કરી ખુદને શિક્ષણ પરોપકાર માટે સમર્પિત કરવાનો સંકલ્પ લીધો હતો. તેમણે એમ પણ કહ્યુ હતું કે, ગ્રામીણ પુનરોદ્ધાર અને સામાન્ય મનુષ્યની સમૃદ્ધિ માટે સખત મહેનત કરવી આપણી પેઢીના વ્યવસાયિકોની જવાબદારી છે.

ઉલ્લેખનીય છે કે મિલનસાર અને મીડિયા વચ્ચે રહેતા જેક મા છેલ્લી વાર ગત વર્ષે 25 ઓક્ટોબરે શાંઘાઇના એક સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા, જેમાં તેમણે ચીનની વર્તમાન નાણાંકીય નીતિઓની ટીકા કરી હતી. એ બાદ અફવાઓનો દૌર શરુ થયો હતો કે ચીની સરકાર અલીબાબ પર અંકુશ મેળવી લેશે. આ અફવાઓએ જોર ત્યારે પકડ્યું જ્યારે મહિનાઓ સુધી અલીબાબાના સ્થાપક જેક મા ગાયબ રહ્યા હતા.