ત્રણ કૃષિ કાયદાઓને લઈને વિરોધ યથાવત છે જોકે, ખેડૂતોની 26 જાન્યુઆરીએ યોજાનારી ટ્રેક્ટર રેલીને લઇને દિલ્હી પોલીસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. કોર્ટે ફરી એક વખત કહ્યુ કે રેલીને લઇને નિર્ણય દિલ્હી પોલીસ કરે. સોલીસીટર જનરલે ચર્ચાની શરૂઆત કરી અને કહ્યુ કે આ મામલાની સુનાવણી 25 જાન્યુઆરીએ કરે. CJIએ કહ્યુ કે અમે પહેલા કહી ચુક્યા છીએ કે આ કેસ પોલીસનો છે. અમે આ મામલે કોઇ આદેશ નહી આપીયે. ઓથોરિટી તરીકે તમે આદેશ જાહેર કરો. ઉલ્લેખનીય છે કે દિલ્હીની સરહદો પર ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે ખેડૂતોનું પ્રદર્શન 56 દિવસથી ચાલી રહ્યુ છે.
સીનીયર વકીલ પ્રશાંત ભૂષણે કહ્યુ કે, તે પોતાની ટ્રેક્ટર રેલી સાથે ગણતંત્ર દિવસ મનાવવા જઇ રહ્યા છે અને શાંતિ ભંગ નહી કરે. CJIએ કહ્યુ કે કૃપયા દિલ્હીના નાગરિકોને શાંતિનું આશ્વાસન આપો. એક કોર્ટના રૂપમાં અમે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ. પ્રશાંત ભૂષણે કહ્યુ કે, ખેડૂતોએ કહ્યુ કે શાંતિ હશે. AGએ કહ્યુ કે કરનાલમાં ખેડૂતોએ પંડાલ તોડી દીધુ. કાયદા વ્યવસ્થાને લઇને તકલીફ થઇ હતી. CJIએ કહ્યુ કે અમે તેની પર કઇ કહેવા માંગતા નથી.
મહત્વનું છે કે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સતત પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડને લઇને ખેડૂત અને પોલીસ વચ્ચે ચર્ચા થઇ હતી. ખેડૂત નેતા દર્શનપાલે કહ્યુ કે પોલીસે અમને પરેડના રૂટ અને લોકોની સંખ્યાને લઇને સવાલ પૂછ્યા હતા. પોલીસે કહ્યુ કે આઉટર રિંગ રોડ પર પરેડ કાઢવામાં પરેશાની થઇ શકે છે. પરેડની પરમિશન વિશે દિલ્હી પોલીસે હજુ સુધી કઇ કહ્યુ નથી. અમારી પરેડ નીકળશે. મહત્વનું છે કે ખેડૂતોએ દિલ્હી પોલીસ પાસે 26 જાન્યુઆરીએ પરેડ માટે લેખિત પરવાનગી નથી માંગી.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ સ્પષ્ટ કહ્યુ હતું કે જ્યાં સુધી સરકાર અમારી માંગો નહી માને ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, તેમણે ગણતંત્ર દિવસને લઇને કહ્યુ હતું કે આ વખતે આ ઐતિહાસિક હશે. એક તરફ જવાન પરેડ કરી રહ્યા હશે અને બીજી તરફ ખેડૂત પ્રદર્શન.