વલસાડ જિલ્લા ધરમપુર તાલુકાના માનનદી કિનારે આવેલા આવધા ગામમાં સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈ અને ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ, વલસાડ તેમજ દાતાઓના સૌજન્ય નિર્મિત સાકાર વાંચન કુટીરની લોકાર્પણ વિધિ કરાઇ, આ સાથે અહીં વ્યકિત વિશેષ તરીકે આવધા ગામના શ્રી વલ્લભભાઈ વૈજલનું  સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૦ યુનિટ બ્લડ એકત્ર કરવામાં સફળતા સાંપડી હતી.

આ પ્રસંગે ધરમપુર તાલુકા વિકાસ અધિકારી હિરલભાઈ પટેલ, કપરાડા શબરી કન્યા છાત્રાલયના ટ્રસ્ટી ભાનુપ્રસાદ જોષી, વલસાડ કોલેજના નિવૃત્ત અધ્યાપક રમેશભાઈ માળી, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડના અશોકભાઈ પટેલ અને ગ્રુપના અન્યમિત્રો, વાપીના ઉદ્યોગપતિ પાર્થિવ મહેતા, વાપીના સામાજિક કાર્યકર ગજેન્દ્રભાઈ પટેલ, ટીન્કુ મેમોરિયલ ટ્રસ્ટના સંસ્થાપક નિલેશભાઈ રાયચુરા, વલસાડ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ ગોકુળભાઈ પટેલ, ગામના સરપંચ, ગામના આગેવાનો-યુવાનો, ગ્રામજનો, આવધા ગામની શાળાના શિક્ષકો, તેમજ રેઈન્બો વોરીયર્સ ધરમપુરનાં યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લોકભાગીદારી અને લોક સમજદારીથી આકાર પામેલું સાકાર વાંચન કુટીરએ વલસાડ જિલ્લાનું આગવું વાંચન કુટીર ગણાવી શકાય તેમ છે. વધુમાં આ વાંચન કુટીરને હાઈટેક બનાવવા માટે સી.જી.એસ.ઈન્ફોટેકના સી.ઈ.ઓ. હિતેનભાઈ ભુતા તરફથી લેપટોપ અને સ્કેનર ‌વીથ પ્રિન્ટર આપવામાં આવ્યા હતા. સાકાર વાંચન કુટીરમા ૨,૦૦૦ થી વધુ પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેનાથી યુવાનો અને શિક્ષિત બેરોજગારોને સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનુ જરૂરી માર્ગદર્શન મળશે.

આવધા ગામના ત્રિવેણી કાર્યક્રમમાં રીન્કુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આવધા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૧૦૦ જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટરનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ તમામ માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. આ કાર્યક્રમનુ સફળ આયોજન અને સંચાલન રેઈન્બો વોરીયર્સ ધરમપુરનાં કૉ ઓર્ડિનેટર શંકરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુવાનો – આગેવાનો અને ગ્રામજનો તેમજ શાળા પરિવારજનોએ કર્યું હતું.