વલસાડ: રશિયાના ઉલ્યાનોવસ્ક (Ulyanovsk) શહેરમાં આયોજિત બ્રિક્સ ૨૦૨૪ યુથ સમિટમાં ભાગ લેવા માટે દેશભરમાંથી 15 સદસ્યોની પસંદગી ભારત સરકારના રમત-ગમત અને યુવા કલ્યાણ મંત્રાલય દ્વારા કરાઈ જેમાં વાપીની ઉદ્યોગસાહસિક યુતિ નામની યુવતીની પણ પસંદગી કરવામાં આવી જે વલસાડ જિલ્લા માટે ગૌરવ સમાન છે.
વાપી શહેરમાં ચલા ખાતે મુક્તાનંદ માર્ગ પર આવેલી શ્રીરંગ સોસાયટીમાં રહેતી અને એન્જિનિયરની ડિગ્રી ધરાવતી યુતિ પ્રદીપભાઈ ગજરે છેલ્લા 10 વર્ષથી યુવાઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સક્રિય રીતે કાર્યરત છે. ખાસ કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- NEP 2020 અમલમાં આવી ત્યારે અનેક રાજ્યોમાં ગેરસમજ ફેલાઈ હતી ત્યારે યુતિ ગજરેએ ગુજરાત જ નહીં પરંતુ ભારતભરના વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરી યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તેઓને સમજ આપી હતી.
યુતિ ગજરેએ એન્ટરપ્રિન્યોર તરીકે સોલાર એનર્જીના બિઝનેસમાં ઝંપલાવ્યું છે. ત્યારે આ સમિટીમાં તેઓ ભારતની નવી શિક્ષણ નીતિ અને સોલાર એનર્જી ઉપર પોતાના વિચારો રજૂ કરશે. સાથે જ આ યુથ સમિટમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર યુવા નીતિ, ટેકનોલોજી, ખેલ અને સ્વાસ્થ્ય જેવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર નિર્ણય લેવામાં આવશે. 22 થી 26 જુલાઈ સુધી આયોજિત આ સમિટમાં બ્રિક્સ દેશો એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિઓ ભાગ લેશે. બ્રિક્સ દેશોના યુવા કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે.