ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારતમાં કોરોના વેક્સીનની ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કોરોના વેક્સીનના ઉપયોગને મંજૂરી મળવા પર શુભેચ્છાઓ પાઠવી છે. PM મોદીએ કહ્યું કે આ પગલું કોરોના વાયરસની વિરુદ્ધની લડાઈમાં ખૂબ જ અગત્યનું સાબિત થશે. વડાપ્રધાને વેક્સીન તૈયાર કરવામાં લાગેલા તમામ વૈજ્ઞાનિકોનો પણ આભાર વ્યક્ત કર્યો.

ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાએ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. PM મોદીએ સતત ત્રણ ટ્વીટ કરીને દેશને કોવિડ મુક્ત થવાની આશા વ્યક્ત કરી છે.

PM મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, DCGIનું પગલું ભારતની કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં ખૂબ જ અગત્યનું સાબિત થશે. કોવિશીલ્ડ અને કોવેક્સીનના માધ્યમથી દેશને કોરોના મુક્ત બનાવવામાં મદદ મળશે. વેક્સીન બનાવવામાં લાગેલા તમામ વૈજ્ઞાનિકોને ધન્યવાદ.

PM મોદીએ DCGIના એલાનને આત્મનિર્ભર ભારતની સાથે પણ જોડ્યું છે. PM મોદીએ વધુમાં કહ્યું કે, દેશના નાગરિકો માટે ગર્વની વાત છે કે જે બંને વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે તેનું નિર્માણ ભારતમાં જ થયું છે. આ દર્શાવે છે કે આત્મનિર્ભર ભારત બનાવવાની મુહિમમાં દેશના વૈજ્ઞાનિકો કેટલી મહેનત કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ વોરિયર્સનો આભાર વ્યક્ત કરવાનું ભૂલ્યા નહીં. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે, આપણે ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ, વૈજ્ઞાનિક, પોલીસ, સફાઈ કર્મચારી અને તમામ કોવિડ વોરિયર્સના આભારી છીએ. કોવિડ વોરિયર્સે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં શાનદાર કામ કર્યું છે. લોકોના જીવ બચાવવા માટે આપણે હંમેશા તેમના આભારી રહીશું.