ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનો અને સરકાર વચ્ચે સાતમાં તબક્કાની બેઠકમાં કોઈ પરિણામ નિકળી શક્યું નથી. હવે સરકાર અને કિસાનો વચ્ચે 4 જાન્યુઆરીએ ફરી બેઠક યોજાવાની છે. ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકારે કિસાન નેતાઓને કહ્યું કે, ત્રણ કૃષિ કાયદા વિશે કિસાનોની માંગ પર વિચાર કરવા માટે એક સમિતિ બનાવી શકાય છે. કિસાન અને સરકાર વચ્ચે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી બેઠક આશરે પાંચ કલાક ચાલી હતી. સરકારે કિસાનોને કહ્યું કે, કાયદો બનાવવા અને પરત લેવાની એક લાંબી પ્રક્રિયા હોય છે. સરકારનો ઈરાદો કાયદો પરત લેવાનો નથી. હવે ફરી ચાર જાન્યુઆરીએ બેઠક યોજાશે.

બેઠક બાદ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, કિસાનોના બે મુદ્દા પર માંગોને મંજૂર કરી લેવામાં આવી છે. આ સાથે એમએસપી પર લેખિતમાં બાંહેધરી આપવામાં આવશે. પરંતુ આજની બેઠક બાદ પણ કિસાન નેતા સંપૂર્ણ રીતે સહમત જોવા મળી રહ્યાં નથી. તેઓ સરકાર તરફથી કમિટી બનાવવાના પ્રસ્તાવનો સતત વિરોધ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આજે બપોરે 2 કલાક 25 મિનિટ પર શરૂ થયેલી બેઠક સાંજે 7.15 કલાક સુધી ચાલી હતી. કિસાન નેતાઓએ કહ્યું કે, અમે જે વાત તમારી સામે રાખી હતી. તેના પર એક-એક કરીને સરકારનું વલણ જાણવા ઈચ્છીએ છીએ. બેઠક દરમિયાન સરકારે તે પણ કહ્યું કે, જ્યાં સુધી કિસાન પ્રદર્શનકારી આંદોલન પરત લેવાનો નિર્ણય ન કરે, ત્યાં સુધી સરકાર કોઈપણ સુધારને લઈને આશ્વાસન ન આપી શકે.