વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮મી ડિસેમ્બરે દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રોને લીલીઝંડી આપશે. એ સાથે જ દિલ્હી મેટ્રોના નામે વધુ એક અનોખો વિક્રમ નોંધાઈ જશે. મજેન્ટા લાઈનમાં સૌપ્રથમ આ મેટ્રો દોડતી થશે.

દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઈનમાં દેશની સૌપ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો દોડશે. આ મેટ્રોને ૨૮મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી આપશે. આ મેટ્રોનું સંચાલન દિલ્હી મેટ્રો રેલ નિગમની હેડઓફિસથી થશે. મજેન્ટા લાઈન પછી પિંક લાઈનમાં પણ ડ્રાઈવરલેસ મેટ્રો દોડતી થશે.

થોડા સમયથી આ મેટ્રોનું પરીક્ષણ થતું હતું. બધા જ તબક્કામાં ખરી ઉતર્યા પછી હવે સત્તાવાર રીતે દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન દોડશે. આ મેટ્રોની મેક્સિમમ સ્પીડ ૯૫ કિલોમીટર પ્રતિકલાક હશે અને તેની ઓપરેશન સ્પીડ ૮૫ કિલોમીટર પ્રતિકલાક રહેશે. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં ચાલકરહિત મેટ્રોને પરવાનગી આપ્યા પછી મજેન્ટા લાઈનમાં બાયોનિકલ ગાર્ડનથી જનકપુરી પશ્વિમની વચ્ચે ૩૭ કિલોમીટર સુધી આ મેટ્રોને દોડાવવાનું નક્કી થયું હતું.