ગુજરાતમાં માવઠા બાદ હવે ઠંડીમા વધારો થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ઓછી થતા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડી વધવાની શક્યતા છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પારો 8 ડિગ્રીથી નીચે જવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. રવિવારે નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ સાથે અમદાવાદમાં લધુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયુ હતું.

ઉત્તર ભારતના ત્રણ રાજ્યો લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તરી વિસ્તારમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદ અને ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફ વર્ષાનું અનુમાન છે. મોસમ સાથે સંકળાયેલી જાણકારી આપનારી ખાનગી કંપની સ્કાઈમેટ પ્રમાણે મોસમી સિસ્ટમ લદ્દાખ ઉપર પહોચી ગઈ છે પહાડો ઉપર મોસમ સાફ થવા લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં ઠંડી વધે છે ત્યારે એક સપ્તાહમાં તેની અસર ગુજરાતમાં થાય છે. રાજ્યમાં માવઠા બાદ હવે ઠંડી વધવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ પ્રમાણે, રવિવાર રાતથી લધુત્તમ તાપમાન ઘટવાની શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ ગુજરાતથી આગળ વધતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ આગળ વધશે. હાડ થીજવતી ઠંડીનો લોકોએ સામનો કરવો પડશે. આગામી ત્રણ દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું હતું. વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. અચાનક વાતાવરણના પલટાથી બેવડી ઋતુનો અનુભવ થયો હતો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન ગગડતા લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.