ખેડૂતોએ કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ ક઼ૃષિ બિલને રદ કરવાની માંગ સાથે આજે ભારત બંધનું એલાન આપ્યુ છે. દેશભરમાં અનેક જગ્યાએ ભારત બંધની અસર જોવા મળી રહી છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને નજરકેદ કરવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ ટ્રેનો રોકી પ્રદર્શન કરવામાં આવ્યુ છે. દિલ્હીમાં પણ પંજાબ અને હરિયાણાના ખેડૂતો 13 દિવસથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. 9 ડિસેમ્બરે ફરી છઠ્ઠા તબક્કાની સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ચર્ચા થશે.

કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધ વચ્ચે આમ આદમી પાર્ટીએ મોટો આરોપ લગાવ્યો છે. AAPનું કહેવુ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘરમાં જ નજરકેદ કરવામાં આવ્યા છે. જ્યારથી અરવિંદ કેજરીવાલ સિંધુ બોર્ડરથી પરત આવ્યા છે, ત્યારથી ઘરની બહાર નજરકેદ સ્થિતિમાં છે. આમ આદમીપાર્ટીનું કહેવુ છે કે ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને હવે બહાર નીકળવા દેવામાં આવતા નથી. જેને કારણે દિલ્હીના મુખ્યમંત્રીની તમામ બેઠક રદ થઇ ગઇ છે.