કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ આજે આપેલા ભારત બંધની ગુજરાતમાં પણ અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ સહિતના ખેડૂત સંગઠનોએ બંધને સમર્થન આપ્યું છે, જ્યારે અનેક ઠેકાણે સામાજિક સંગઠનો પણ બંધમાં સામેલ થયા છે. ભારત બંધને જોતા ગુજરાત પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

-કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓની અટકાયત.
-પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, પ્રદેશ મંત્રી રફિક તિજોરીવાલા સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનોને પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા.
-અરવલ્લીના માં કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓની અટકાયત.
-કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહ પરમારને સેન્ટોસા બંગલોઝ ખાતે સાંતેજ પોલીસે નજરકેદ કર્યા.
-અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ નજરકેદ કરાયા.
-સુરતમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત.
-સાણંદ-કંડલા હાઈવે પર ટાયર સળગાવી વિરોધ કરનારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત.
-દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બાની અટકાયત.

જણાવી દઈએ કે, ખેડૂત સંગઠનોએ આપેલા બંધને કોંગ્રેસે પોતાનું સમર્થન આપ્યું છે. આ બંધને સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોને પોત-પોતાના મત વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ પોલીસ સાથે કોઈ પણ પ્રકારના ઘર્ષણમાં ના ઉતરવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓને તાકીદ કરાઈ છે. જ્યારે કોંગ્રેસ દ્વારા લોકોને સ્વૈચ્છિક રીતે ભારત બંધમાં જોડાવા માટેની અપીલ કરવામાં આવી છે.