નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનને લઈને ફરી એક વખત મોદી સરકાર સામે નિવેદન આપ્યુ છે. આ વખતે તેમણે સરકારને જોરદાર ઘેરાવામાં લીધી છે.
રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરતા કહ્યુ હતુ કે આ સુટ-બૂટ-જુઠની સરકાર છે.રાહુલ ગાંધીએ ખેડૂતો દ્વારા દેખાવો થઈ રહ્યા હોય તેવો વિડિયો ટ્વિટ કરીને કહ્યુ હતુ કે એવુ કહેવાતુ હતુ કે ખેડૂતોની આવક બમણી કરીશું. પણ મોદી સરકારના મિત્રોની આવક ચાર ગણી થઈ ગઈ અને ખેડૂતોની આવક અડધી થઈ ગઈ.આ સુટ-બૂટ-જૂઠ અને લૂટની સરકાર છે.
આપણે જાણીએ છીએ તેમ સરકારે કૃષિ કાયદા અંગે ચર્ચા કરવા માટે એક સમિતિ બનાવવાનો મુકેલો પ્રસ્તાવ ખેડૂતો સંગઠનોએ ઠુકરાવી દીધો છે. મંગળવારે મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે થયેલી બેઠકનુ કોઈ પરિણામ આવ્યુ નહોતુ. ખેડૂતો કૃષિ કાયદો પાછો ખેંચવા માટે અડેલા છે.
હાલમાં ખેડૂતો તૈયારી બતાવી રહ્યા છે તે જોતા એમ લાગે છે કે ખેડૂતો લાંબા સમય માટે આંદોલન કરવુ પડે તો પણ તૈયાર છે. આમ દિલ્હીની બોર્ડરો પર ખેડૂતોના કારણે અવર-જવર પણ અટકી પડી છે.