જાણે ! કાદવમાં ખીલેલું કમળ એની વાણી, વર્તન અને વ્યવહારમાં એની આર્થિક સ્થિતિ કે પછી એને નડતા અભાવ કયાંય ન દેખાય, એક સાધારણ પરિવારમાં યોગ્ય ઉછેરનુ શું પરિણામ હોય, સંસ્કાર અને મૂલ્યોથી ઉછરેલ સંતાન, રૂપિયાથી ભલે અમીર નહીં પણ વ્યવહારૂ કુશળતાથી અમીર એ છોકરીને જોઈ સલામ કરવાનું મન થયું. તે કહે છે કે લોકોની જેમ ‘હમ અપને કાનોમે ઈયરફોન લગાકર ગાને નહીં સુનતે. કયોકિ ભવિષ્યમે હમે કાનોમે સ્ટેથોસ્કોપ લગાકર લોગોકી ધડકને સુનની હૈ’ અભાવોની વચ્ચે ઉછરેલી આ હોનહાર છોકરી ચીથરે વીટળાયેલુ રત્ન છે. એને મળ્યા પછી એને સાભળ્યા પછી સહજ પણે લાગે કે એનામાં ભારો ભાર ક્ષમતા રહેલી છે.

ગામમાં સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતો એક પરિવાર ! લીપણવાળુ કાચું મકાન, ભૌતિક સુવિધા શું હોય એ પરિવાર માટે કલ્પના બહારનો વિષય, કદાચ સપનું જોવાની હિંમત પણ ન કરે પણ આ પરિવારની દીકરીએ સપનું જોવાનું સાહસ કર્યું ગામમાં બીજા માટે તો કદાચ એ મજાક જ હતી પણ એણે સપનું જોયું સપનું પણ કેવું ડૉકટર બનવાનું ! કદાચ આ દીકરીનું સપનું જાણી કોઈ એમ જ કહે કે એનું મગજ ઠેકાણે નથી.

અશક્ય અસંભવ ! તમે  જુઓ તો માનવામાં ન આવે આવા ઘરની છોકરી ડૉકટર બની શકે મારી વાત તમને પહેલી નજરે કદાચઆ કાલ્પનિક ઘટના લાગી શકે પણ આ વાત આ સત્યઘટના છે વાંસદા વારાણસી દુબળ ફળિયામાં રહેતા ગરીબ પરિવારમાં જન્મેલી રસીલાએ એ કરી બતાવ્યું જે સપનું જ લાગે ! સામાન્ય પરિવારની દીકરી રસિલાએ ડૉકટર બનવાનું સ્વપ્ન જોયું ને એ સપનું સાચું ઠેરવી સફળતાનું પહેલું પગથિયું સર કરી લીધું તાજેતરમાં મેડિકલ કોલેજોના પ્રવેશ શરૂ થયા. તેમાં રસીલાએ વડનગરની સેમી ગવર્મેન્ટ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો છે. આવી આર્થિક સ્થિતિ વચ્ચે એની શૈક્ષણિક સફર અવરોધો પડકારોને લક્ષ્ય સુધી પહોંચવાની દ્રઢ ઈચ્છાશક્તિ વિશે જાણવાનું મન સ્વાભાવિક થાય.

રસીલા ઘરથી ૭ કિ.મી.દૂર સરકારી શાળા, લીમઝર ખાતે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે સાયકલ લઇ ભણવા જતી કાચું મકાન ઘરમાં કોઈ ભૌતિક સુવિધા નહીં. પિતા છૂટક મજૂરી કરવા કામની શોધમાં બહાર જાય. સાજ સુધી કામ મળે કે ન પણ મળે. મા ઈટની ભઠ્ઠીમાં મજૂરી કરે. ૯૦ વર્ષના દાદા સાથે પરિવાર રહે. મોટો ભાઈ ચેતન એ જ સરકારી શાળામાં ભણ્યો. ને હાલ BSC કરે. કુટુંબમાં દૂર દૂર સુધી કોઈ સરકારી નોકરી કે ઉચ્ચ અભ્યાસ કરનાર નથી. મોટા ભાઈ સિવાય ઘરનું કોઈ જાણે નહીં કે રસીલા શું ભણે છે ? ને એ ભણવાથી શું બની શકાય ? રસીલાની ડૉકટર બનવાની ઈચ્છા એની માં જ જાણે. પણ એના પિતાને વાત ગળે ઉતરે નહીં કે અમારી દીકરી ડૉકટર બની શકે ? તેમ છતાં અડગ શ્રદ્ધા અખૂટ વિશ્વાસ અને અવિરત મહેનત સાથે રસિલાએ અભ્યાસ ચાલુ રાખ્યો. અને સફળતાનું પહેલું સોપાન પ્રાપ્ત કર્યું.

રસીલાની આ સિદ્ધિમાં પારાવાર ગૌરવ અનુભવતા સમગ્ર પરિવારની જ્યારે મુલાકાત લીધી ત્યારે સૌનાં હૈયા હરખ ઘેલા થઇ ગયા. કાચું મકાન કે સુવિધાનો અભાવ ત્યાં ગૌણ બની ગયો હતો. સૌના હૈયે હરખ હતો ઘરના વડીલ દાદા કહે છે કે દીકરીએ મારા ડોસલાના ઢીલાઢસ થઈ ગયેલા પગમાં નવું જોમ લાવી દીધું. આ બોલતાં તેમને હર્ષના આસું આવી ગયાં.

દીકરી રસીલા મુલાકાત દરમિયાન ડૉ. બનવાનું સપનું કયારથી દ્રઢ થયું ? એ પ્રશ્નનો જવાબ આપતાં રસીલા કહે છે. એમ તો ડૉ. બનવાનું મનમાં નક્કી જ હતું પણ હું જયારે ધો. ૧૧માં હતી ત્યારે મારી જ શાળાના બે સિનિયર વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મળ્યો. ત્યારે મારા સપનાંને એકદમ દ્રઢ કરી લીધું કે હવે તો હું કંઈ પણ થાય. ડૉ. બનીને જ રહીશ. આ લોકો ડૉ. બની શકે તો હુ કેમ નહીં આવું બોલતાં એની વાણીમાં ગર્વ હતો ગુમાન નહીં. એણે જે ધારેલું એ મેળવવાનો ગર્વ ચેહરા પર નિખરી આવે છે.

એકસ્ટ્રા કોચિંગ કે ટયૂશન રસીલા માટે સ્વપ્ન હતું. જાત મહેનત અને પોતે જ પોતાની કોચ ને પોતે જ પોતાને ટ્યૂશન આપ્યું. નીટની તૈયારી માટે સુખી સંપન્ન પરિવારનું સંતાન પાછળ લાખો રૂપિયા પણ ખર્ચાય. જ્યારે રસીલા માટે તો એ કયાં શકય હતું ? પણ શકય ન હતું માત્ર રૂપિયા ખર્ચવાની ત્રેવડ મહેનત કરવાની ત્રેવડમા એને કોણ આબી શકવાનું હતું. નીટની તૈયારી પણ જાતે જ કરી. પોતાના સિનિયરોને પૂછીને જરૂરી માર્ગદર્શન મેળવતી રહી.

આજનો વિદ્યાર્થી અને તે પણ જ્યારે સાયન્સ પ્રવાહમાં ભણતો હોય ત્યારે તે અભ્યાસ સિવાયનાં પુસ્તકોને હાથ પણ ન લગાવે એવું બની શકે. પણ રસીલા આ બાબતમાં પણ અલગ છે. એનો બાહ્ય વાચનનો રસ પણ વિશેષ છે. વાચન સાથે લેખન કૌશલ્ય પણ વિકસાવતી જાય છે. એક તરફ સુવિધા યુકત, સમૃદ્ધ પરિવાર પોતાના સંતાનને લાખો રૂપિયા ખર્ચી, ખાનગી શાળામાં તગડી ફી ભરી ભણાવે, એકસ્ટ્રા કોચિંગ અને જે જોઈએ તે હાજર હોય. ને બીજી બાજુ સંતાન શું ભણે છે ? શું વાચે છે ? એવી પાયાની બાબતથી પણ અજાણ પરિવાર સુવિધાને નામે શૂન્ય. જરૂરિયાત સામે અનુકૂલન સાધતી વિદ્યાર્થિની પણ લક્ષ્ય સાથે જરાય સમાધાન ન કરતી આ દીકરી રસીલાએ સરકારી શાળામાં કોઈ જ કોચિંગ વિના, જાત મહેનતે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને સાબિત કર્યું કે કઠોર પરિશ્રમ, અડગ શ્રદ્ધા અને મજબૂત મનોબળનો કોઈ જ વિકલ્પ નથી સફળ થવામાં, મંઝિલ સુધી પહોંચવામાં કોઈ જ અભાવ પોતાનો પ્રભાવ જમાવી શકે નહીં અભાવને પ્રભાવમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય એ રસીલાએ સાબિત કરી આપ્યું છે.

મેડિકલ કોલેજમાં પ્રવેશનુ સિદ્ધિનું પ્રથમ સોપાન તો રસીલાએ પાર કરી લીધું. પણ. હવે કોલેજ હોસ્ટેલ ફી, ફૂડબીલ, પુસ્તકો તથા અન્ય ખર્ચને કેવી રીતે પહોંચી વળાશે કે કેમ ? આ મોટો પ્રશ્ન પરિવાર સામે જડબું ફાડીને ઉભો છે. પણ કહેવાય છે કે પ્રશ્ન હોય તો તેનું સમાધાન પણ હોય. રસીલાના કઠોર પરિશ્રમે તેને પ્રથમ પગથિયાં સુધી પહોંચાડી છે તો મંઝિલ સુધીનાં પગથિયાં પણ જરૂર બનશે.

by_વર્ષા