સરકાર દ્વારા અનેકવિધ પ્રકારે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જેમાં અત્યાર સુધી રાજકીય પ્રવૃતિઓને પ્રોત્સાહન આપતી જે NGO છે તેને વિદેશથી નાણાકીય સહાય મેળવતી હતી પણ હાલમાં સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ હવે જે કોઈ સ્વૈચ્છિક સંસ્થા એટલે કે NGO રાજકીય પ્રવૃતિઓમાં સાથ આપશે તો તેઓને વિદેશથી મળતા નાણાની સહાય મળવાપાત્ર નહીં રહે.
સરકારે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જે કોઈ NGO ખેડુત, કામદારો, વિદ્યાર્થીઓ, સમાજ અને જ્ઞાતિ આધારીત ચાલતા હોય અને જો આમાંથી કોઈપણ NGO રાજકીય ગતિવિધિ જેવી કે બંધ, હડતાલ અને રસ્તા રોકોમાં મદદરૂપ સાબિત થયું હોય તો તે તમામ એનજીઓને વિદેશથી મળતા નાણા ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે.
હાલમાં તો NGO ઘણાખરા આ પ્રકારના કિસ્સામાં પોતાનો અહમ ભાગ ભજવ્યો છે જેમાંથી સમાજના હિતના કાર્યો નહીં પરંતુ પોતાના વિકાસ માટે તેમના દ્વારા રાજકીય પક્ષોને મદદ કરતી હોવાનું સામે આવ્યું છે. વ્યાપક માત્રામાં આ પ્રકારની ફરિયાદ ઊભી થતા સરકારે મળતી વિદેશી સહાય ઉપર પ્રતિબંધ લાદવા માટેનો નિર્ણય લીધેલો છે. અત્યાર સુધી આ નાણાંકીય સહાય લેવામાં અનેક NGOને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે. શાહીનબાગની ઘટના હોય કે પછી પાસની અનામત માટેની લડાઈ હોય આ તમામ સ્થિતિમાં NGOને વ્યાપક પ્રમાણમાં વિદેશી ભંડોળ મળ્યું હતું જેનો ઉપયોગ NGO દ્વારા ખુબ મોટીમાત્રામાં કરવામાં આવ્યો હતો જેની સામે આ NGO દ્વારા સમાજ ઉત્થાન માટેના નહિવત કાર્યો કર્યા હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
અબતક નામના અખબારના રીપોર્ટ અનુસાર સરકાર દ્વારા નિર્ધારિત કરેલા નવા નિયમો મુજબ જે કોઈ NGOને વિદેશથી આવતા નાણાની સહાય મેળવવી હોય તો તેઓએ તેમની નોંધણી FCRA હેઠળ કરવી ફરજીયાત છે જેમાં સરકાર દ્વારા ફોરેન ક્ટ્રીબ્યુશન એકટના હેઠળ નોંધાવવુ પણ અનિવાર્ય બન્યું છે. સાથો સાથ વિદેશથી મળતી નાણાકિય સહાય માટે NGOએ ગત ૩ નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછુ ૧૫ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું અને સમાજ ઉત્થાનનાં કાર્યો કર્યા હોવાના પુરાવા આપવા પડશે અને જે NGO આ કાર્ય કરવામાં સફળ થશે તેઓને જ વિદેશથી મળતી નાણાકિય સહાય મળવાપાત્ર રહેશે.
સરકારના નવા નિયમો મુજબ NGOની નોંધણી ફી જે ૩૦૦૦ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી હતી તેમાં વધારો કરી તેને ૫૦૦૦ સુધી લંબાવવામાં આવી છે સાથો સાથ નાણાંકીય સહાય માટે મળવાપાત્ર ગ્રાન્ટની પરવાનગી લેવા માટે પણ સરકાર દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા આ મુદ્દે સરકાર NGO પાસેથી ૫૦૦૦ રૂપિયા ફી વસુલતુ હતુ જેનો હવે ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે. સરકારના નિર્ણય સામે NGO નો શું પ્રતિભાવ અને અભિપ્રાય રહેશે એ જોવું રસપ્રદ બનશે.