મહારાષ્ટ્ર રાજયનાં નાશિક જિલ્લાના સુરગાણા તાલુકાનાં પીંપલસોંડા ગામની વાત છે ગામના રસ્તાની આજુબાજુ આવેલા ખેતરો પર નજર નાખો તો ખેતરમાં વાવેલો પાક જોઈને હું ઘણો આશ્ચર્યચકિત થઈ જશો. આવાં અંતરિયાળ વિસ્તારમાં પણ ખેડૂતો મહામુશ્કેલીએ આવી રીતે ખેતી કરી શકે માનવામાં ન આવે. ખેડૂતોની હિમંત અને આત્મવિશ્વાસથી ભરેલા એ અસંભવ ખેતીને સંભવ કરી બતાવી છે.

     પીંપલસોંડા ગામમાં જ્યાં નજર દોડાવીએ ત્યાં ખેતરમાં ખૂબ જ આયોજનબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે કારેલાની ખેતી કરવામાં આવી છે. અહીં આશ્ચર્યની બાબત એટલાં માટે છે કે અહીં મોટેભાગે પથરાળ જમીન છે. ખેડૂતો પાસે પૂરતાં સંસાધનો પણ હોતા નથી. આ વિસ્તારમાં કૂવા કે નાના મોટા ચેકડેમોમાં ડિસેમ્બર સુધી જ પાણી રહે છે. આ વિસ્તારમાં વરસાદ તો ઘણો પડે છે. પણ માળખાગત સુવિધાઓનાં અભાવ અને પથરાળ જમીનનાં લીધે પાણીનો સંગ્રહ કરવા માટે ઘણીબધી મુશ્કેલીઓ પડે છે.

     અહીંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ ખૂબ જ સારા પ્રયત્ન કરે છે. પણ ભૌગોલિક પરિસ્થિતિનાં લીધે પાણીનો સંગ્રહ કરવા માટે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. અહીંનાં ખેડૂતો માંડમાંડ બે ચોપડી ભણ્યા હશે કે નહીં ભણ્યા હશે ? પણ એમણે કરેલું કાર્ય કહેવાતાં શિક્ષિત ખેડૂતોને પણ શરમાવે એવું છે. પાણી, પથરાળ જમીન, મૂડી પરિવહન જેવાં સંસાધનોનાં અછત વચ્ચે પણ ત્યાંનાં ખેડૂતો મબલખ પાક ઉત્પન્ન કરે છે. એ ખૂબ જ મોટી વાત છે. આવા ખેડૂતો પાસે ઘણીબધી બાબતો શીખવા જેવી છે.

     જ્યારે અમુક વખતે એવું પણ થાય છે કે આપણી પાસે પૂરતાં સંસાધનો હોવા છતાં આપણે સારી ખેતી કરી શકતાં નથી. એનું મુખ્ય કારણ કદાચ અપૂરતો આત્મવિશ્વાસ અને આપણી પાસે આયોજનનો અભાવ હોય શકે છે. જ્યારે સંસાધનો ઓછા હોય છે ત્યારે અલગ દ્રષ્ટિકોણ અને સતત પ્રયત્નો દ્વારા નવી પધ્ધતિ  સફળતા મેળવી શકાય છે.

     અહીંથી એક વાત તો ચોક્કસપણે એ ફલિત થાય છે કે તમારામાં કંઈક કરવાની ધગશ, આવડત અને સૂઝબુઝવાળી નિર્ણયશક્તિ હોય તો તમે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાંથી સાનુકુળતા ભરી સ્થિતિ બનાવી સફળતા મેળવી શકો છો.